Western Times News

Gujarati News

જામનગરમાં વેપારીની આંખમાં મરચાની ભૂક્કી ફેંકી રૂ. ૪૫ હજારની લૂંટ

જામનગર, જામનગરમાં વેપારી રાત્રિના સમયે તેમના ઘરે જતાં હતાં. તે દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારીને ધક્કો મારી પછાડી દઇ આંખમાં મરચાની ભૂક્કી છાંટી ૪૫ હજારથી રોકડ રકમ ભરેલી થેલીની લૂંટ ચલાવી નાસી ગયા હતા.

બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ખંભાળિયા નાકા બહાર નાગરપરા શેરી નં. ૨માં રહેતા અને ગેઈન માર્કેટમાં વેપાર કરતા પ્રકાશભાઈ ચંદ્રકાંતભાઈ લાલ નામના પ્રૌઢ ગઈકાલે શુક્રવારે રાત્રિના ૦૮ઃ૩૦ વાગ્યાના અરસામાં તેમની દુકાનેથી જીજે-૧૦ બીકયુ-૮૫૦૨ નંબરના એક્ટિવા મોટરસાઈકલ પર તેમના ઘર તરફ જતાં હતાં.

ત્યારે ખંભાળિયા નાકા પાસે બાઇની વાડી નાગરપરા શેરી નં. ૨ નજીક પહોંચ્યા ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પ્રૌઢ વેપારીને ધક્કો મારી પછાડી દીધા હતાં. ત્યારબાદ વેપારીની આંખમાં મરચાંની ભૂક્કી છાંટી એક્ટીવાના હેન્ડલમાં ટીંગાડેલી રૂ. ૪૫ હજારની રોકડ રકમ ભરેલા પર્સવાળી થેલીની લૂંટ ચલાવી બન્ને શખ્સો નાસી ગયા હતાં.

દરમિયાન લૂંટની પ્રૌઢ વેપારી દ્વારા પોલીસને જાણ કરાતાં પીઆઈ કે.એલ. ગાધે તથા સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયો હતો. તેમજ પ્રૌઢ વેપારીના નિવેદનના આધારે બંન્ને લૂંટારુ શખ્સોને ઝડપી લેવા માટે જિલ્લામાં નાકાબંધી કરી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસે બનાવ સ્થળ પાસેના વિસ્તારમાં કયાંય સીસીટીવી ફૂટેજાે અંગે પણ તપાસ હાથ ધરી હતી અને બે અજાણ્યા બાઈકસવાર શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

જામનગર પોલીસના ઉચ્ચ અધિકારી સહિત એલસીબી, સીટી એ પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી રાતભર સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ લૂંટની ઘટના બન્યા બાદ પોલીસ રાતભર નાકાબંધી અને રોડ પરના અને ઘટનાસ્થળના તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજ ઉપરથી તપાસ ચલાવી રહ્યા છે. જ્યારે તપાસના ચક્રો ગતિમાન કર્યા ઉપરથી પોલીસને આરોપીની ઓળખ પણ થઈ ગઈ હોય એવી માહિતી સૂત્રોમાંથી મળી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.