વડોદરા: વેપારી સાથે રૂ. ૩૧.૬૭ લાખની છેતરપિંડી
વડોદરા, વડોદરા શહેરની ગોરવા બીઆઇડીસીમાં કંપની ધરાવતા વેપારી પાસેથી હરિયાણાની કંપની સંચાલકો દ્વારા રૂપિયા ૪૧.૬૭ લાખની કિંમતનો જીરૂ મસાલો ખરીદી વડોદરાના વેપારી સાથે રૂપિયા ૩૧.૬૭ લાખની છેતરપિંડી કરવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતા પ્રશાંત શાહ ગોરવા બીઆઇડીસીમાં ઓમ એગ્રી ફિઝ ફુડ નામથી કંપની ધરાવે છે. કંપની મુખ્યત્વે વેજીટેબલ તથા ફ્રૂટ્સને સૂકવીને તેનો પાવડર બનાવી અલગ-અલગ મરી મસાલા રાજ્યના જથ્થાબંધ વેપારીને મોકલે છે. તેમણે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ ૨૦૧૯ દરમિયાન મોબાઈલ ફોન થકી મોહિત ગોયેલ નામના વ્યક્તિએ હરિયાણા ખાતેની શ્રી શ્યામ એન્ટરપ્રાઇઝ કંપનીના પરચેસ મેનેજર તરીકે ઓળખ આપી હતી અને મોટી માત્રામાં જીરૂ મસાલો ખરીદવા તેમની કંપની ખાતે મીટિંગ કરી હતી.
તે દરમિયાન ઉપસ્થિત રાજેશ ગોયેલ, કંપનીના માલિક તરીકે પ્રદિપસિંહ નિર્વાણ, કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓમ પ્રકાશ જાગીડે જથ્થાબંધ જીરૂ મસાલા ખરીદવાનું જણાવી પેમેન્ટ ૧૫ દિવસમાં ચૂકવવાની ખાતરી આપી હતી.
ત્યારબાદ પ્રતિ કિલો ૧૮૯ રૂપિયાના ભાવે રૂપિયા ૪૧.૬૭ લાખની કિંમતનું ૨૧ હજાર કિલો જીરૂ ખરીદવાનો પરચેસ ઓર્ડર આપ્યો હતો. જે પૈકી ૧૦ લાખ રૂપિયા એનઇએફટી દ્વારા જમા કરાવ્યા હતા. જ્યારે બાકીના ૩૧.૬૭ લાખ માટેના ચેક બાઉન્સ થયા હતા. બાકી નાણાંની માંગ કરતા આરોપીઓએ ધમકી આપી હતી કે, જાે નાણાં લેવા માટે સંપર્ક કર્યો અથવા અમારી ઓફિસે આવ્યા તો જીવતાં ગુજરાત પાછા નહીં જવા દઈએ. આ બનાવ અંગે ગોરવા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.HS