મોરબીમાં કાર-ટ્રકની વચ્ચે અકસ્માતમાં ૩ લોકોનાં મોત
રાજકોટ, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ધનાળા ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતનો ભોગ બનેલો પરિવાર મુંબઈથી કચ્છ જઈ રહ્યો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર બુધવારે વહેલી સવારે હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં મુંબઈથી કચ્છ જઈ રહેલા પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટક્કર એટલી જાેરદાર હતી કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો અને રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી.
બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોના કારમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા દોડી આવતા હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ગોઝારા અકસ્માતમાં ૩ લોકોના મોતથી પરિવાર વિખેરાઈ ગયો છે.SSS