માનવ તસ્કરી કરી વિદેશ મોકલતાં એજન્ટોને ઝડપી પાડવા કવાયત
અમદાવાદ, જાન્યુઆરી મહિનામાં યુએસ-કેનેડાની સરહદે ગુજરાતી પરિવારના ચાર સભ્યોના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પરિવાર કેનેડા થઈ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવાનો હતો. પરંતુ તેઓ બોર્ડર ક્રોસ કરી શકે તે પહેલા જ માઈનસ ૩૫ ડિગ્રી ઠંડીમાં થીજી જવાના કારણે પતિ-પત્ની અને તેમના બે બાળકોના મોત થયા હતા.
આ ઘટનાના પડઘા ગુજરાત સહિત અમેરિકા-કેનેડામાં પણ પડ્યા હતા. આ મામલે ગુજરાત પોલીસ પણ તપાસ કરી રહી છે ત્યારે તેઓ રાજ્યમાં માનવ તસ્કરીના નેટવર્કને ઝડપી પાડવા વિસ્તૃત તપાસ કરવાની છે. અગાઉ CID (ક્રાઈમ) દ્વારા સ્થાનિક સ્તરે યુએસ-કેનેડાની સરહદે મૃત્યુ પામેલા પરિવારના કેસની તપાસ શરૂ કરી હતી. જ્યારે યુએસ અને કેનેડાની એજન્સીઓએ પોતાની રીતે તપાસ ચલાવી હતી.
CID (ક્રાઈમ)ના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, યુએસ અને કેનેડાના કોન્સ્યુલેટ જનરલના અધિકારીઓએ મંગળવારે એજન્સીના મહિલા અને બાળ સુરક્ષા વિભાગના વડા અનિલ પ્રથમને ફોન કર્યો હતો. તેમણે મૂળ ડીંગુચાના અને યુએસ-કેનેડાની સરહદે મૃત્યુ પામેલા ચાર લોકોના કેસ અંગે મહત્વની માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ૩૫ વર્ષીય જગદીશ પટેલ, ૩૩ વર્ષીય પત્ની વૈશાલી, ૧૨ વર્ષની દીકરી વિહાંગના અને ૩ વર્ષના દીકરા ધાર્મિકના થીજી જવાના કારણે ૧૯ જાન્યુઆરીએ કેનેડા-યુએસ બોર્ડર પર મોત થયા હતા. ગત રવિવારે આ ચારેયના કેનેડાના મેનિટોબામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલો આ પરિવાર ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નવા ડીંગુચા ગામનો વતની હતો.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ ચારેયને ભારતીયોના એક મોટા સમુદાયથી અલગ કરી દેવાયા હતા. બાકીનું ગ્રુપ સરહદ પાર કરીને અમેરિકા પહોંચી ગયું જ્યારે માઈનસ ૩૫ ડિગ્રી તાપમાનમાં થીજી જવાથી ડીંગુચાના આ ચાર સભ્યોના કરુણ મોત થયા હતા. અમેરિકાથી માત્ર ૩૦ ફૂટ દૂર કેનેડાની સરહદે આ પટેલ પરિવારના મૃતદેહો મળ્યા હતા.SSS