લિવ ઈનમાં રહેતો યુવક ૨૧ વર્ષનો થતાં યુગલને એક કર્યું
અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે પાલનપુરના એક યુવકને તેના જીવનની સૌથી યાદગાર જન્મદિવસની ભેટ આપી છે. ૭ ફેબ્રુઆરીના રોજ યુવકના પોતાના જન્મદિવસે ૨૧ વર્ષનો થયો, કોર્ટે તેને તેની લિવ-ઇન પાર્ટનર સાથે ફરીથી ભેગો કરી દીધો હતો.કપલ જ્યારે ગત વર્ષે લીવ ઈનમાં રહેવાનું શરું કર્યું ત્યારે યુવતીના પરિવાર દ્વારા બળજબરીથી તેને લઈ જવામાં આવી હતી કારણ કે તેઓ આ સંબંધને મંજૂરી આપતા ન હતા.
જાેકે જેવા કોર્ટે તેમને ફરી ભેગા કર્યા કે દંપતીએ તેમના સંબંધોને કાયદેસર કરવામાં કોઈ સમય બગાડ્યો નહીં અને કોર્ટરૂમમાંથી બહાર નીકળ્યા પછી તરત જ લગ્ન કરી લીધા હતા.
યુવકના વકીલ દર્શિત રાવલના જણાવ્યા અનુસાર, એકવાર હાઈકોર્ટના નિર્દેશો પર દંપતી ફરી એકબીજા સાથે જાેડાઈ શક્યા છે. તેઓ હાઈકોર્ટની બહાર નીકળ્યા અને તરત જ લગ્ન કરી લીધા કારણ કે યુવતીનો પરિવાર તેના લગ્ન કોઈ અન્ય સાથે કરાવવા માટે ઉત્સુક હતો. જાે કે, દંપતીને હજુ પણ તેમની સુરક્ષાનો ડર છે કારણ કે તેઓ યુવતીઓના સંબંધીઓ તરફથી પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે.
આ કિસ્સામાં માહિતી મુજબ ગત ડિસેમ્બર ૨૦૨૧ માં અરજદાર યુવક અને તેની ગર્લફ્રેન્ડે સાથે રહેવાનું શરૂ કર્યું અને લિવ-ઇન કરાર પર હસ્તાક્ષર કર્યા કારણ કે જે તે સમયે યુવક લગ્નની ઉંમરે પહોંચ્યો ન હતો. જાેકે તેના થોડા જ દિવસ બાદ એટલે કે ૪ જાન્યુઆરીએ મહિલાના સંબંધીઓ તેને બળજબરીથી ગાંધીધામ પોતાની સાથે લઈ ગયા હતા.
તે પછી તે યુવકે પોલીસને વિનંતી કરી કે તે તેની મિત્રને છોડાવવામાં મદદ કરે. જ્યારે તેમણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો, ત્યારે ન્યાયાધીશોએ યુવક દ્વારા પોતાના લિવ-ઈન પાર્ટનરની કસ્ટડીનો દાવો કરવા અંગે તેના સ્ટેન્ડ પર પ્રશ્ન કર્યો. જેના જવાબમાં યુવકના વકીલે રજૂઆત કરી હતી કે યુવક અને યુવતી લગ્ન કરવા માગે છે પરંતુ યુવક કાયદાકીય રીતે લગ્ન કરવા યોગ્ય ઉંમરે પહોંચ્યો ન હોવાથી તેઓ હાલ લગ્ન કરી શકે તેમ નથી.
જાે કે, આગામી ૭ ફેબ્રુઆરીએ યુવક ૨૧ વર્ષ પૂર્ણ કર્યા પછી તરત જ યુવતી સાથે લગ્ન કરવાનો ઇરાદો ધરાવે છે. જ્યારે આ મામલે કોર્ટે રિપોર્ટ માંગ્યો ત્યારે સરકારી ઓથોરિટીએ યુવતિનું નિવેદન કોર્ટમાં રજૂ કર્યંસ જેમાં યુવતીએ કહ્યું કે તેને બળજબરીથી યુવકથી અલગ કરવામાં આવી નથી પોતે સ્વેચ્છાએ પરિવાર સાથે આવી છે.
પરંતુ કોર્ટને યુવતીના આ રેકોર્ડેડ નિવેદનથી સંતુષ્ટી ન થઈ અને હાઈકોર્ટે સમન્સ પાઠવી યુવતીને કોર્ટ રુમમાં હાજર કરવા જણાવ્યું હતું. કોર્ટ રુમમાં પહોંચ્યા પછી યુવતીએ પોતાની સાથે જે બન્યું તે વર્ણવ્યું અને કોર્ટને કહ્યું કે તેને બળજબરીથી યુવકથી અલગ કરવામાં આવી હતી. તેણીએ કોર્ટને એ પણ જણાવ્યું કે પરિવારે તેની ઈચ્છા વિરુદ્ધ ૪ ફેબ્રુઆરીએ તેના લગ્ન અન્ય કોઈ સાથે ગોઠવી દીધા હતા.
જે બાદ કોર્ટે તરત જ અધિકારીઓને યુવતીને મહિલા સંરક્ષણ ગૃહમાં આશ્રય આપવાનો આદેશ આપ્યો. આ સાથે તેમણે ૭ ફેબ્રુઆરીના રોજ અરજદારના જન્મદિવસ પર આ કેસની વધુ સુનાવણીની તારીખ આપી હતી. ત્યારે આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આદેશ આપતા દંપતીને ફરીથી એકબીજા સાથે એક કર્યા હતા અને દંપતીએ તરત જ લગ્નગ્રંથીથી જાેડાઈને પોતાના સંબંધને કાયદાકીય સ્વરુપ આપ્યું હતું.SSS