રિલાયન્સ હોમ ફાયનાન્સ પર ત્રણ માસનો પ્રતિબંધ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/reliance-scaled.jpg)
મુંબઈ, માર્કેટ રેગ્યુલેટર સેબીએ અનિલ અંબાણી અને તેમના ત્રણ સહયોગીઓ તેમજ તેમની ભૂતપૂર્વ ગ્રુપ કંપનીઓમાંની એક રિલાયન્સ હોમ ફાઈનાન્સ પર કરોડો રુપિયાના ફંડનો દુરુપયોગ કરવા બદલ ત્રણ મહિનાનો પ્રતિબંધ મૂકી દીધો છે.
અનિલ અંબાણી પર રિલાયન્સ હોમ ફાઈનાન્સના ફંડને અન્ય ગ્રુપ કંપનીઓમાં ડાયવર્ટ કરી તેના વડે દેવું ચૂકતે કરવાનો આરોપ હતો જે તપાસમાં સાચો હોવાનું બહાર આવ્યું હતું.
સેબીએ મૂકેલા પ્રતિબંધના આદેશ અનુસાર, અનિલ અંબાણી તેમજ તેમના ત્રણ સહયોગી અમિત બાપના, રવિન્દ્ર સુધાલકર અને પિંકેશ શાહ કોઈપણ લિસ્ટેડ કંપનીમાં કોઈપણ પ્રકારનું જાેડાણ નહીં કરી શકે તેમજ માર્કેટમાં પણ તેમના પર કોઈપણ પ્રવૃત્તિ કરવા પર નિયંત્રણ મૂકાયા છે.
રિલાયન્સ હોમ ફાઈનાન્સના ફંડમાં ગોલમાલ થયાનું બહાર આવતા કંપનીના ઓડિટર પ્રાઈસવોટરહાઉસ એન્ડ કંપનીએ તેના વાર્ષિક હિસાબોને માન્યતા આપવાનો ઈનકાર કરી દીધો હતો. સેબીના આદેશ અનુસાર, અંબાણી તેમજ તેમના ત્રણ સહયોગી તેમજ રિલાયન્સ હોમ ફાઈનાન્સ આગામી આદેશ સુધી સિક્યોરિટીમાં કોઈ પ્રકારના ખરીદ કે વેચાણ સહિતના પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે સોદા નહીં કરી શકે.
સેબીમાં રજિસ્ટર થયેલી તેમજ લિસ્ટેડ પબ્લિક કંપનીમાં પણ તેઓ ડિરેક્ટર કે પ્રમોટરની ભૂમિકામાં આવી પબ્લિક પાસેથી કોઈ પ્રકારે નાણાકીય ફંડ ઉભું નહીં કરી શકે.
સેબીના પૂર્ણકાલિન સભ્ય એસ.કે. મોહંતીના ૧૦૦ પાનાનાં ઓર્ડર અનુસાર, ઓડિટ કંપનીએ આપેલા રાજીનામાં ઉપરાંત આ બાબતને સમર્થન આપતા અન્ય દસ્તાવેજી પુરાવા પણ તેની પાસે મોજૂદ છે. આ ઉપરાંત સેબીને અન્ય લોકો પાસેથી પણ ફરિયાદો મળી હતી.
જેમાં રિલાયન્સ હોમ ફાઈનાન્સ તેમજ તેના પ્રમોટર્સ દ્વારા ફંડને ખોટી રીતે ડાયવર્ટ કરવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, બેંકોએ પણ રિલાયન્સ હોમ ફાઈનાન્સ દ્વારા ઉધાર લેવાયેલું ફંડ અન્ય કંપનીઓમાં ડાયવર્ટ કરાઈ તેનો ઉપયોગ તેમની લોનો ભરવામાં થયો હોવાના આક્ષેપ કર્યા હતા. સેબીને એવી ફરિયાદો પણ મળી હતી કે નબળી આર્થિક સ્થિતિ ધરાવતી કંપનીઓનો ઉપયોગ રિલાયન્સ હોમ ફાઈનાન્સમાંથી ફંડ મેળવવા માટે કરાયો હતો અને આ ગોલમાલમાં તેના પ્રમોટર પણ સામેલ હતા.
આ ફરિયાદો તેમજ પત્રોના આધારે સેબીએ રિલાયન્સ હોમ ફાઈનાન્સના ૨૦૧૮-૧૯ના હિસાબોની તપાસ શરુ કરી હતી. જેમાં મોટાભાગના આક્ષેપ સાચા હોવાનું બહાર આવ્યું હતું.
સેબીને જાણવા મળ્યું હતું કે રિલાયન્સ હોમ ફાઈનાન્સે સિટી સિક્યોરિટીઝ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસિસ, તુલિપ એડવાઈઝર્સ અને એરિઓન મૂવી પ્રોડક્શન સહિતની ૧૩ કંપનીઓમાં ફંડ ટ્રાન્સફર કર્યું હતું.
આ લોન્સને જનરલ પર્પઝ કોર્પોરેટ લોન્સ તરીકે બતાવવામાં આવી હતી. ફોરેન્સિક ઓડિટમાં જાણવા મળ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં કંપનીએ ૧૪,૫૭૮ કરોડ રુપિયા અલગ-અલગ કંપનીઓને ટ્રાન્સફર કર્યા હતા, જેમાંથી ૧૨,૪૮૯ કરોડ રુપિયા એવી ૪૭ કંપનીઓને અપાયા હતા કે જેમના તાર રિલાયન્સ હોમ ફાઈનાન્સના પ્રમોટર્સ અને મેનેજમેન્ટ સાથે સંકળાયેલા હતા.SSS