પુલવામા આતંકી હુમલાને ૩ વર્ષ પૂરાં: એટેક વિશે એક પુસ્તકમાં થયો ચોંકાવનારો ખુલાસો
નવીદિલ્હી, કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને આજે ત્રણ વર્ષ પૂરા થયા છે ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો. જૈશ એ મોહમ્મદના એક આતંકીએ વિસ્ફોટકો લાદેલા વાહનથી સીઆરપીએફ જવાનોની બસને ઉડાવી દીધી જેમાં ૪૦ જવાનો શહીદ થઈ ગયા હતા તથા અનેક ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા.
ત્યારબાદ સરકારની નીતિઓએ આકરું વલણ ધારણ કર્યું અને આતંકની કમર તોડવા માટે અનેક અભિયાન ચલાવ્યા. ત્રીજી વરસી પહેલા પુલવામા એટેક અંગે લખાયેલા એક પુસ્તકમાં મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. જે મુજબ આત્મઘાતી હુમલાખોર દ્વારા વિસ્ફોટમાં ઉડાવવામાં આવેલી બસના ડ્રાઈવર જયમલ સિંહ તે દિવસે ગાડી ચલાવવાના ન હતા પણ તેઓ કોઈ અન્ય સાથીની જગ્યાએ આવ્યા હતા.
ભારતીય પોલીસ સેવાના અધિકારી દાનેશ રાણા હાલ જમ્મુ અને કાશ્મીરમાં એડીજીપી છે. તેમણે પુલવામા હુમલા સંલગ્ન ઘટનાઓ પર એજ ફોર એજ ધી સેફ્રન ફીલ્ડ નામનું પુસ્તક લખ્યું છે. જેમાં હુમલા પાછળના ષડયંત્રનો ઉલ્લેખ કરાયો છે.
ષડયંત્રકર્તાઓ સાથે કરાયેલી પૂછપરછ, પોલીસની ચાર્જશીટ અને અન્ય પુરાવાના આધારે રાણાએ કાશ્મીરમાં આતંકવાદના આધુનિક ચહેરાને રેખાંકિત કતા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ની ઘટનાઓના ક્રમને યાદ રાખતા લખ્યું છે કે કેવી રીતે કાફલામાં મુસાફરી કરી રહેલા સીઆરપીએફના જવાન રિપોર્ટિંગ ટાઈમ પહેલા જ આવવા લાગ્યા હતા.
નિયમ મુજબ અન્ય ડ્રાઈવરો સાથે પહોંચનારા છેલ્લા લોકોમાં હેડ કોન્સ્ટેબલ જયમલ સિંહ સામેલ હતા. ડ્રાઈવર હંમેશા છેલ્લે રિપોર્ટ કરે છે. તેમને ઊંઘ લેવા માટે વધારાના અડધા કલાકની મંજૂરી છે કારણ કે તેમણે મુશ્કેલ મુસાફરી કરવી પડે છે. રાણાએ લખ્યું છે કે જયમલ સિંહ તે દિવસે ગાડી ચલાવવાના નહતા. તેઓ અન્ય સહયોગીની જગ્યાએ આવ્યા હતા.
હાર્પર કોલિન્સ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત પુસ્તકમાં કહેવાયું છે કે હિમાચલ પ્રદેશના ચંબાના રહીશ હેડ કોન્સ્ટેબલ કૃપાલ સિંહે રજા માટે અરજી આપી હતી કારણ કે તેમની છોકરીના જલદી લગ્ન થવાના હતા. કૃપાલને પહેલા રજિસ્ટ્રેશન સંખ્યા HR ૪૯ F-૦૬૩૭ વાળી બસ સોંપાઈ હતી અને પર્યવેક્ષણ અધિકારીએ જમ્મુ પાછા ફર્યા બાદ તેમને રજા પર જવા માટે કહ્યું હતું. ત્યારબાદ જયમલ સિંહને બસ લઈ જવાની જવાબદારી મળી.
રાણા લખે છે કે તે એક અનુભવી ડ્રાઈવર હતો અને અનેકવાર NH ૪૪ પર ગાડી દોડાવી ચૂક્યો હતો. તે ત્યાના ઢાળ, વળાંક અને રસ્તાથી સારી પેઠે પરિચિત હતો. ૧૩ ફેબ્રુઆરીની મોડી રાતે તેણે તેની પત્નીને પંજાબ ફોન કર્યો અને તેને છેલ્લી ઘડીએ પોતાની ડ્યૂટીમાં ફેરફાર અંગે જણાવ્યું. આ તેની છેલ્લી વાતચીત હતી.
જવાનોમાં મહારાષ્ટ્રના અહમદનગરનો કોન્સ્ટેબલ ઠાકા બેલકર પણ સામેલ હતો. તેના પરિવારે હજુ હમણા જ તેના લગ્ન નક્કી કર્યા હતા અને બધી તૈયારીઓ ચાલી રહી હતી. બેલકરે રજા માટે અરજી આપી હતી. પરંતુ લગ્નના ૧૦ દિવસ પહેલા જ તેને પોતાનું નામ કાશ્મીર જનારી એક બસના યાત્રીઓમાં જાેવા મળ્યું. રાણા લખે છે કે પરંતુ જેવો એ કાફલો નીકળવાનો હતો કે નસીબ તેના પર મહેરબાન થઈ ગયું.
તેની રજા છેલ્લી ઘડીએ મંજૂર થઈ ગઈ હતી. તે જલદી બસમાંથી ઉતરી ગયો અને મરક મરક હસ્યો અને તેણે તેના સહયોગીઓ સાથે હાથ મિલાવીને અલવિદા કહ્યું. તેને શું ખબર હતી કે આ તેમનો અંતિમ સમય હશે. જયમલ સિંહની નીલા રંગની બસ ઉપરાંત અસામાન્ય રીતે લાંબા કાફલામાં ૭૮ અન્ય વાહનો હતા. જેમાં ૧૫ ટ્રક, ભારત-તિબ્બત સરહદ પોલીસ સંબંધિત બે જૈતૂની લીલા રંગની બસો, એક વધારાની બસ, એક રિકવરી વાન અને એક એમ્બ્યુલન્સ સામેલ હતા.HS