Western Times News

Gujarati News

ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશને સફળ બનાવવા સમૂહ માધ્યમોનો સહયોગ મહત્વપૂર્ણ – ગૃહ રાજ્યમંત્રી

અમદાવાદ શહેર પોલીસના ઉપક્રમે “બિલ્ડીંગ બ્રિજીસ” કાર્યક્રમનું આયોજન

પોલીસની પરંપરાગત ભૂમિકામાં પરિવર્તન  – શ્રી સંજય શ્રીવાસ્તવ, શહેર પોલીસ કમિશનર, અમદાવાદ

નાગરિકોના વર્તન પરિવર્તન(Behavioral Change)માં મીડિયાની ભૂમિકા મહત્વપૂર્ણ – શ્રી નિર્ણય કપૂર, પ્રમુખ, ગુજરાત મીડિયા ક્લબ

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “New Age Policing”માં ટેકનોલોજીની ભૂમિકા ચાવીરૂપ ભૂમિકા બની રહેશે. અમદાવાદ ખાતે  પોલીસ અને સમૂહ માધ્યમો વચ્ચે આયોજિત સંવાદ કાર્યક્રમને સંબોધતા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે,

આગામી સમયમાં સાયબર ક્રાઈમ અને આર્થિક ગુનાઓ પોલીસ માટે પડકારરૂપ બની રહે તેમ છે ત્યારે ગુજરાત પોલીસ આ ગુનાઓને અટકાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરશે. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે,  ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશને સફળ બનાવવા માટે સમૂહ માધ્યમોનો સહયોગ મહત્વપૂર્ણ છે.

શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાત  સરહદી રાજ્ય હોઈ અહીં ડ્રગ્સનું દૂષણ ફેલાવાની શક્યતા વધુ છે, ત્યારે ગુજરાત પોલીસે આ દૂષણને ડામવા શ્રેણીબદ્ધ પગલાઓ લીધા છે. ગૃહરાજ્યમંત્રીશ્રીએ આ સંદર્ભે નવી દાખલ કરાયેલી ડ્રગ રિવોર્ડ પોલીસીનો ઉલ્લેખ કર્યો હતો. અને જણાવ્યું હતું કે આ પોલીસી ઘણી અસરકારક સાબિત થઈ રહી છે. તેમણે મીડિયાકર્મીઓને અનુરોધ કરતાં કહ્યું કે, આપ ડ્રગ પકડનારા પોલીસકર્મીઓને પ્રોત્સાહિત કરશો અને સમાજમાં આપણે તેમને સન્માન આપીશું તો તેમનું મનોબળ ચોક્કસપણે વધશે.

ગૃહરાજ્યમંત્રીશ્રીએ પોલીસ કોન્સ્ટેબલના આવાસ સુવિધાને વધુ બહેતર બનાવવા માટેની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.આ પ્રસંગે તેમણે શી ટીમના માધ્યમથી મહિલાઓને સુરક્ષિત બનાવવા માટે ગુજરાત પોલીસે કરેલી કામગીરીની રૂપરેખા પણ આપી હતી.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રી વાસ્તવે  કહ્યું કે, પોલીસની પરંપરાગત ભૂમિકામાં હવે પરિવર્તન આવી રહ્યું છે અને હવે પોલીસ તેમની કામગીરીમાં વધુને વધુ લોકોને સાંકળી રહી છે એટલે કે તેની કામગીરીમાં લોકભાગીદારનું પ્રમાણ વધી રહ્યું છે.તેમણે ઉમેર્યું કે પશ્ચિમના દેશોની જેમ આપણે પણ ડેટાબેઝ આધારીત પોલીસીંગની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

શહેર પોલીસ કમિશનરશ્રીએ આ અવસરે ‘તરકશ’  અને ‘આશ્વસ્ત’ મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી પોલીસે અપનાવેલા નૂતન અભિગમ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, પોલીસ ફોર્સમાં યુવાનોની ભરતીના પગલે હવે ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે.

જાણીતા પત્રકાર શ્રી દેવેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, પત્રકાર પોલીસ માટે મહત્વપૂર્ણ સ્ત્રોત બની રહે છે. આ સંદર્ભે તેમણે ઉદાહરણો ટાંક્યા હતા. શ્રી દેવેન્દ્રભાઈએ પત્રકાર-પોલીસ વચ્ચેના સેતુરૂપ કાર્યક્રમને આવકાર્યો અન અભિનંદન પાઠવ્યા હતા.

આ અવસરે ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ શ્રી નિર્ણય કપૂરે મીડિયા દ્વારા હાથ ધરવામાં આવેલી જાગૃતિ ઝુંબેશની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, નાગરિકોના  વર્તન પરિવર્તન (Behavioral Change)માં મીડિયા કેવી રીતે મહત્વની ભૂમિકા ભજવી શકે તે રેખાંકિત કર્યું હતું.

તેમણે ગુજરાત મીડિયા ક્લબ વતી અંગદાન ઝુંબેશને પોલીસના સહકારથી વધુ વેગવાન બનાવવાની તત્પરતા પણ વ્યક્ત કરી હતી.શ્રી કપૂરે મીડિયા અને પોલીસ વચ્ચેનો સેતુ વધુ સુદ્રઢ બને અને તેના પગલે સામાજિક અભિયાન પરિણામલક્ષી બને તે અંગેની પણ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે એડિશનર પોલીસ કમિશનરશ્રી પ્રેમવીરસિંહે સ્વાગત પ્રવચન કર્યું હતું. સાયબર ક્રાઈમ વિભાગના ડીસીપી શ્રી અમિત વસાવાએ સાયબર ક્રાઈમને અટકાવવા માટેનું માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. આ અવસરે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીશ્રીઓ અને વરિષ્ઠ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.