Western Times News

Gujarati News

ગુજરાત સાહિત્ય અકાદમીનું આયોજન  -પ્રેમ પર્વની પૂર્વસંધ્યાએ “એવા રે મળેલા મનના મેળ” કાર્યક્રમ થકી ભાવકોને ભીંજવ્યા

પ્રેમને આપણે ક્યારેય અશ્પૃશ્ય ગણ્યો નથી,તેને વિવિધ સ્વરૂપે ચાહ્યો છે – શ્રી વિષ્ણુભાઈ પંડ્યા, અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી

અમદાવાદના એચ.કે. કોલેજ ઓડિટોરિયમમાં કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ- નયનાબેન જાનીએ શ્રોતાઓને કવિતાનો આસ્વાદ કરાવ્યો

14 ફેબ્રુઆરી- વેલેન્ટાઈન ડેની પૂર્વસંધ્યાએ  ગુજરાત સાહિત્ય અકાદમીએ કળા-સાહિત્ય- સંગીત અને પત્રકારત્વ એમ વિવિધ  ક્ષેત્રના ક્ષેત્રના યુગલોના અનુભવ-વિશ્વને રજૂ  કરતો કાર્યક્રમ “એવા રે મળેલા મનના મેળ”આયોજિત કરવામાં આવ્યો હતો.

શ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ કાર્યક્રમની ભૂમિકા પેશ કરતાં કહ્યું કે, આપણે પ્રેમને ક્યારેય અશ્પૃશ્ય ગણ્યો નથી. તેના વિવિધ સ્વરૂપે આપણે ચાહ્યો છે. તે બાળક-મા હોય, પિતા-પુત્ર હોય, ભાઈ-બહેન કે પછી પતિ અને પત્નિ હોય. તેમણે ઉમેર્યું કે, છેવટે પ્રેમનો ક્યાંય સરવાળો થતો નથી, પણ ગુણાકાર થાય છે. અને એ ગુણાકારના આધારે આપણું જીવન રચાયું છે.

ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવે સ્વાગત પ્રવચનમાં કહ્યું કે, ગુજરાતી સાહિત્યના પ્રચાર-પ્રસાર સંદર્ભે અકાદમીનો આ એક નાનકડો પ્રયાસ છે.તેમણે ઉમેર્યું કે, આગામી 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસે સમગ્ર રાજ્યમાં સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે.

જ્યારે ઉદઘોષક શ્રી કમલભાઈએ  શ્રી રાજેન્દ્ર શુક્લ અને નયનાબહેનને દાદા અને આન્ટી કહ્યાં ત્યારે શ્રી રાજેન્દ્ર શુક્લાએ હળવી શૈલીમાં કહ્યું કે, અમારા મન મળ્યાને ભલે ૪૮ વર્ષ થયા, પણ આજના આ કાર્યક્રમ પૂરતાં આપ અમને દાદા અને આન્ટી ના કહેશો.

ઋષિ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ અને શ્રી નયનાબહેન જાનીએ “સૂડી વચ્ચે સોપારી” અને  “તારી કે નથી મારી, જિંદગી છે સહિયારી“રચના પ્રસ્તુત કરી શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા.

જાણીતા કટારલેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટ અને જ્યોતિ ઉનડકટે તેમના લગ્નજીવનના ખાટાં-મીઠાં પ્રસંગો વર્ણવ્યા. સંગીત બેલડી શ્રી આશિતાબહેન પ્રજાપતિ અને શ્રી અમીપભાઈ પ્રજાપતિએ પ્રેમગીતો પ્રસ્તુત કરી શ્રોતાઓને ડોલાવ્યા.

નાટક અને સાહિત્ય ક્ષેત્ર છેલ્લા બે દાયકાથી સક્રિય શ્રી કમલભાઈ જોશી અને દેવાંગીબહેને જોશી પણ તેમની પ્રેમ-યાત્રાના પ્રસંગો વર્ણવ્યા.

આમ, પ્રેમ-પર્વની પૂર્વસંધ્યાએ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત આ કાર્યક્રમ કલારસિકો માટે સંભારણું બની રહ્યો. કવિ શ્રી હરદ્વાર ગોસ્વામીએ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.