તમિલનાડુ, તેલંગણાના મુખ્યમંત્રીઓ સાથે મળીને બંધારણીય ઢાંચાને બચાવીશ: મમતા

કોલકતા, પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે તમિલનાડુ, તેલંગણાના મુખ્યમંત્રીઓ સાથે મળીને બંધારણના ઢાંચાંને બચાવવાના પ્રયાસો કરાશે. તેમણે ત્રીજા મોરચાના સંકેત આપીને કહ્યું હતું કે કોંગ્રેસ તેના રસ્તે છે અને અમે અમારો રસ્તો કરીશું. ૨૦૨૪માં મોદીને હરાવવા હશે તો યુપી અને પશ્વિમ બંગાળમાં વિપક્ષોએ જીત મેળવવી પડશે.
ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અખિલેશ યાદવ માટે પ્રચાર કરીને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે જે રાજ્યમાં મહિલાઓને જીવતી સળગાવી દેવાય છે, જ્યાં ખેડૂતોની હત્યા કરી દેવામાં આવે છે ત્યાં સત્તા પરિવર્તન જરૃરી છે.
તેમણે કહ્યું હતું કે ભાજપને હરાવવા માટે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોને પણ એક થવાની હાકલ કરી હતી, પરંતુ તેમણે અલગ રસ્તો બનાવ્યો હોવાથી હવે કોંગ્રેસ એના રસ્તે અને અમે અમારા રસ્તે પ્રયાસો કરીશું.
મમતા દીદીએ બિન ભાજપી, બિન કોંગ્રેસી મુખ્યમંત્રીઓમાં એકતા કરવા પ્રયાસો કરી રહ્યા છે. તેના ભાગરૃપે તેમણે કહ્યું હતું કે તમિલનાડુ અને તેલંગણાના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત થઈ હતી. તેમની સાથે મળીને બંધારણીય ઢાંચાને બચાવવાના પ્રયાસો કરાશે.
ખાસ તો રાજ્યપાલના માધ્યમથી રાજ્યની આંતરિક બાબતોમાં કેન્દ્ર સરકાર દખલગીરી કરે છે તે બાબતે આ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા થઈ હોવાનું મમતા બેનર્જીએ કહ્યું હતું.
મમતા બેનર્જીએ પ્રાદેશિક પક્ષોને એક થવાનું આહ્વાહન આપીને કહ્યું હતું કે જાે મોદીને ૨૦૨૪માં હરાવવા હશે તો યુપી અને પશ્વિમ બંગાળથી શરૃઆત કરવી પડશે અને એ માટે તમામ પક્ષોએ એકતા બતાવવી પડશે. તેમણે ઉમેર્યું હતું કે યુપીમાં તૃણમૂલ કોંગ્રેસે એટલા માટે જ ઉમેદવારો ઉતાર્યા નથી.
કારણ કે જાે એવું થાય તો અખિલેશ યાદવને નુકસાન થાય. અખિલેશ યાદવ એક પણ બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના કારણે નબળા પડે એવું થવા દેવું નથી.મમતા દીદીના ત્રીજા મોરચાના પ્રયાસમાં અન્ય મુખ્યમંત્રીઓને પણ જાેડવામાં આવે એવા પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં ઓડિશાના મુખ્યમંત્રી, દિલ્હીના મુખ્યમંત્રી વગેરેને પણ સામેલ કરવામાં આવે એ દિશામાં વિચારાઈ રહ્યું છે.HS