યુક્રેનમાં રહેતાં ભારતીયોને અસ્થાયી રીતે ઝડપથી દેશ છોડી દેવાની સલાહ
નવી દિલ્હી, યુક્રેન-રશિયા વચ્ચેના તણાવ વચ્ચે યુક્રેનની રાજધાની કિએવમાં સ્થિત ભારતીય દૂતાવાસે યુક્રેનમાં રહેતા ભારતીયો, ખાસ કરીને વિદ્યાર્થીઓને અસ્થાયી રીતે યુક્રેન છોડવાની સલાહ આપી છે. દૂતાવાસ તરફથી જારી પત્રમાં કહેવાયું છે કે યુક્રેનની હાલની અનિશ્ચિતતાઓને જાેતા ભારત સરકાર પોતાના તમામ નાગરિકોને ખાસ કરીને વિદ્યાર્થીઓને યુક્રેન છોડી દેશમાં પાછા ફરવાની સલાહ આપે છે.
આ સાથે જ કહેવાયું છે કે યુક્રેનની અંદર રહેતા ભારતીય નાગરિકો કોઈ પણ કામ વગર બહાર ન જાય અને જરૂરી ન હોય તો યુક્રેનનો પ્રવાસ ન કરે. યુક્રેનમાં સ્થિત ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાની હાજરી અંગે દૂતાવાસને જાણકારી આપતા રહે જેથી કરીને જરૂર પડ્યે તેમના સુધી મદદ પહોંચાડી શકાય.
આ પત્રના અંતમાં કહેવાયું છે કે ભારતીય દૂતાવાસ યુક્રેનમાં પોતાનું સામાન્ય કામકાજ ચાલુ રાખશે જેથી કરીને યુક્રેનમાં રહેલા ભારતીય નાગરિકોને સેવાઓ આપવાનું ચાલુ રાખી શકાય. આ અગાઉ ગત મહિને જાન્યુઆરીમાં યુક્રેનમાં રહેલા ભારતીય દૂતાવાસે એક ફોર્મ પણ જારી કર્યું હતું.
આ ફોર્મમાં ૩૧ જાન્યુઆરી સુધીમાં તમામ ભારતીય નાગરિકોને પોતાની જાણકારી આ ફોર્મમાં ભરવાની અપીલ કરી હતી. જેથી કરીને જેમ બને તેમ જલદી ભારતીયો સુધી જરૂરી સૂચના અને મદદ પહોંચાડી શકાય. ૨૫ જાન્યુઆરીના રોજ જારી કરાયેલા આ ફોર્મને ભારતીય દૂતાવાસે પોતાના ટિ્વટર પેજ પર પિન કરેલું છે. ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે તેઓ કિએવમાં સ્થિતિ પર બાજ નજર રાખી રહ્યા છે.SSS