મેટ્રોનું ગ્યાસપુર-જીવરાજ પાર્ક વચ્ચે પ્રી-ટ્રાયલ કરાયું
અમદાવાદ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં પહેલીવાર મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી છે. ૬ કોચની મેટ્રોનું પ્રી-ટ્રાયલ શુક્રવારે રાત્રે ગ્યાસપુર ડેપો અને જીવરાજ પાર્ક સ્ટેશનની વચ્ચે કરવામાં આવ્યું હતું. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના સૂત્રોના કહેવા અનુસાર, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આ પહેલો પ્રી-ટ્રાયલ રન હતો અને આગામી દિવસોમાં આવા કેટલાય ટ્રાયલ કરવામાં આવશે.
આ ઓગસ્ટ સુધીમાં અમદાવાદ શહેરના ફેઝ ૧ના આખા ટ્રેક પર પ્રી-ટ્રાયલ રન કરવાનું આયોજન મેટ્રો સત્તાધિશોનું છે. આ વર્ષે ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવાના છે અને ચૂંટણી પણ યોજાવાની છે ત્યારે આ બધા કામ સમાંતર ચાલશે. અધિકારીઓના કહેવા અનુસાર, ગ્યાસપુર-જીવરાજ પાર્ક સુધીનો ટ્રેક ૨ કિલોમીટર લાંબો છે અને વચ્ચે બે સ્ટેશન આવે છે. RDSO વાસણા સ્ટેશનથી ટ્રેન સર્વિસ શરૂ થાય છે અને જીવરાજ પાર્ક સ્ટેશન આ રૂટનું બીજું સ્ટેશન છે.
APMC વાસણાથી મોટેરા નોર્થ-સાઉથ કોરિડોરનો ભાગ છે, જે ૧૮.૮૭ કિલોમીટર લાંબો છે અને ૧૫ સ્ટેશન આવે છે. આ સંપૂર્ણપણે એલિવેટેડ છે. અધિકારીઓએ આગળ જણાવ્યું કે, પ્રી-ટ્રાયલ બાદ લખનૌની રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન પણ ટ્રાયલ કરશે. RDSO ટ્રેકને સર્ટિફિકેટ આપી દે પછી સેફ્ટી ટ્રાયલ શરૂ થશે અને ત્યારબાદ ફ્રી રન શરૂ થશે.
અધિકારીઓનું કહેવું છે કે, સત્તાધીશો પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ કોરિડોર એપ્રિલ સુધીમાં તૈયાર કરી દેવા માગે છે જેથી તેમને RDSO અને અન્ય એજન્સીઓ તરફથી સર્ટિફિકેટ મળી જાય. અધિકારીઓના કહેવા મુજબ, પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં ટ્રેક અને સિગ્નલ લગાવવાનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. હાલ વસ્ત્રાલ અને એપરલ પાર્ક વચ્ચે મેટ્રો કાર્યરત છે. પૂર્વ-પશ્ચિમ કોરિડોર ૨૧.૬ કિલોમીટર લાંબો છે અને વચ્ચે ૧૭ સ્ટેશન આવે છે. આ કોરિડોર વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના વિસ્તારને જાેડે છે.
આ પટ્ટા પર ૬.૫ કિલોમીટર લાંબું અંડરગ્રાઉન્ડ સેક્શન પણ છે જેમાં ચાર અંડરગ્રાઉન્ડ સ્ટેશન આવેલા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્ટેશનનું કામ અંતિમ તબક્કામાં છે. ફેઝ ૧ને બાદમાં મોટેરા-ગાંધીનગરના ફેઝ ૨ સાથે જાેડવામાં આવશે, જેના પિલરનું કામ હાલ ચાલી રહ્યું છે. ફેઝ ૨ અમદાવાદ અને ગાંધીનગરને જાેડશે. મહાત્મા મંદિર છેલ્લું સ્ટેશન હશે અને ગિફ્ટ સિટી તેમજ અક્ષરધામને પણ આમાં આવરી લેવાશે.