ફતેવાડીમાં સુલતાન ગેંગના ખજાનચી બકુખાનનું બિલ્ડિંગ અંતે તોડી પડાયું
અમદાવાદ, પશ્ચિમ અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં આવેલા કોમન પ્લોટ પર નોમાન પાર્ક ખાતેની ગેરકાયદેસર બિલ્ડિંગને તોડી પાડવામાં આવી છે. ગેરકાયદેસર રીતે કબજાે જમાવવામાં આવેલી આ બે માળીય ઈમારતકુખ્યાત સુલતાન ગેંગના ખચાનચી તરીકે ઓળખાતા બકુખાન ઉર્ફે બક સૈયદની હતી. ગેંગના સભ્યો આ બિલ્ડિંગમાં બેસીને જ ગુનાહિત કૃત્યો આચરતા હતા અને આસપાસના લોકો તેમનાથી ડરીને રહેતા હતા. પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભારે સુરક્ષા વચ્ચે ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરી હતી.
કુખ્યાત સુલતાન ખાન ગેંગના ખજાનચી તરીકે ઓળખાણ રાખતા અને ગુજસીટોકના ગુનાના મુખ્ય આરોપી બકુ ખાન ઉર્ફે બક સૈયદની સામે અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે.
કુખ્યાત સુલતાન ગેંગનો સફાયો કરનાર તથા ઝોન ૭માં અસામાજિક તત્વો સામે બાથ ભીડનાર યંગ આઈપીએસ ઓફિસર પ્રેમસુખ ડેલુનાં સુપરવિઝન નીચે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી. કાર્યવાહીના અનુસંધાને અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ડ્રોનની મદદથી આજુબાજુના વિસ્તારમાં સર્વેલન્સ કરીને નજર રાખવામાં આવી હતી તથા ઘોડેસવારોને પણ હાજર રાખવામાં આવ્યા હતા.
કુખ્યાત ગુનેગાર સુલતાન ખાન વેજલપુર પોલીસ સ્ટેસનની હદમાં આવતા ફતેવાડી, જુહાપુરા સહિતના વિસ્તારમાં પોતાની ગેંગ ચલાવતો હતો. આ ગેંગના સદસ્યો સામાન્ય લોકો પાસે ખંડણી ઉઘરાવવી, સરકારી કે સામાન્ય લોકોની જમીનો પડાવી લેવી, અપહરણ કરીને માર મારવો, જુગાર-સટ્ટો ચલવવો અને મહિલાઓની છેડતી કરવા સહિતના કામ કરતા હતા. આ માથાભારે શખ્સો સામે ઘણાં લાંબા સમયથી કોઈ આકરી કાર્યવાહી નહોતી થતી.
આખરે સેકટર-૧ ના જાેઇન્ટ કમિશનર રાજેન્દ્ર અસારી અને ઝોન- ૭ના ડીસીપી પ્રેમસુખ ડેલુને ફરિયાદ મળતા તેમણે આ ગેંગની રજેરજની માહિતી એકઠી કરી હતી. આખરે લોકોની ફરિયાદ લઇને ગુનેગારો પર આકરી કાર્યવાહી હાથ ધરાઇ હતી.SSS