ભારત દેશ અને ભારતીયતાને જાણવા હોય તો સંસ્કૃત ભાષા જાણવી પડશે: રાજ્યપાલ
ગાંધીનગર, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ૧૪માં દીક્ષાંત સમારોહમાં ૭૫૬ જેટલાં પદવી પ્રાપ્ત કરી રહેલાં વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, ભારત દેશ અને ભારતીય સંસ્કૃતિને જાણવા હોય તો સંસ્કૃત ભાષા જાણવી પડશે. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ભારત દેશ ધર્મ પરાયણ દેશ છે.
ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મ સાથે જાેડાયેલી છે ત્યારે, ઋષિ પરંપરાનું પાલન કરી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વેદ-પુરાણો અને શાસ્ત્રોનો અભ્યાસ કરનારા યુવાનો પ્રતિ સમાજ અપાર શ્રદ્ધા ભાવ ધરાવે છે. વેદ સંસ્કૃતિની આ ભવ્ય જ્ઞાન વિરાસતથી રાષ્ટ્ર અને સમાજને લાભાન્વિત કરવા રાજ્યપાલશ્રીએ પદવીધારકોને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારથી યુવાપેઢી સજ્જ બને અને આ જ્ઞાન પ્રકાશથી સમસ્ત સમાજ આલોકિત થાય તેવા ઉદ્દેશથી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. ભારતીય જ્ઞાન પરંપરાની ઉપાસના દ્વારા વિદ્યાર્થીઓ પોતાની જ્ઞાનસંપદાથી સમાજને સમૃદ્ધ કરે અને આર્ત્મનિભર ભારતના નિર્માણ માટે પુરુષાર્થ કરે તેવી શીખ પણ રાજ્યપાલએ વિદ્યાર્થીઓને આપી હતી.
સંસ્કૃત પૂર્ણ ભાષા છે અને અન્ય ભાષાઓની જનની છે તેમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, વેદોને ઈશ્વર દ્વારા પ્રદત્ત જ્ઞાન માનવામાં આવે છે. ધરતી પર જ્ઞાનનો આવિર્ભાવ વેદથી થયો અને ભારત દેશ સમસ્ત વિશ્વ માટે જ્ઞાનદાતા બન્યો હતો.
સંસ્કૃત ભાષામાં રચાયેલા વૈદિક સાહિત્યમાં ભારતીય જીવન દર્શન સંસ્કૃતિ અને પરંપરાના દર્શન થાય છે ત્યારે તેને જાણવા સંસ્કૃત ભાષા જન સામાન્યની ભાષા બનવી જાેઈએ આ વાતને ધ્યાનમાં રાખીને જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- ૨૦૨૦માં સંસ્કૃત ભાષાને મહત્વનું સ્થાન આપ્યું છે.
ગુજરાતની ધરતી ઉપર જન્મ લઈને સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોનો વૈજ્ઞાનિક અભિગમ સાથે તર્કસંગત અર્થ આપીને વૈદિક સંસ્કૃતિને જન-જન સુધી પહોંચાડવા જીવન પર્યંત પુરુષાર્થ કર્યો હતો. તેમના પ્રેરણારૂપ જીવન દર્શનને અનુસરીને વિદ્યાર્થીઓ સંસ્કૃત અને સંસ્કૃતિ પ્રત્યે સન્માનની ભાવના સુદ્રઢ બને તે માટે પુરુષાર્થ કરે તેવો અનુરોધ પણ રાજ્યપાલએ કર્યો હતો અને પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓના સફળ જીવનની કામના કરી હતી.
શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના ચૌદમા પદવીદાન સમારોહમાં પદવીઓ અને સુવર્ણ પદકો મેળવનાર સ્નાતકોને અભિનંદન પાઠવતાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, સંસ્કૃત વિશ્વવિદ્યાલયના સ્નાતકો સમાજને ‘આર્ત્મનિભરતા’નો સાચો મર્મ સમજાવશે.
શિક્ષણ મંત્રી વાઘાણીએ ઉમેર્યુ કે, ગુજરાતના મહાપુરુષ, એકતાના પ્રતિક અને દીઘર્દ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથના ભવ્ય મંદિરની સાથે સંસ્કૃત યુનિવર્સિટીનું પણ સ્વપ્ન જાેયું હતું, જેને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાકાર કર્યું હતુ.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ યુનિવર્સિટીના કર્મઠ અધિકારીઓ, કર્મચારીઓ, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ સાથે મળીને આ સ્વપ્નને પૂર્ણપણે વિકસિત કરી રહ્યા છે. ૧૫ વર્ષની યાત્રામાં વિવિધ કુલપતિઓના નેતૃત્વમાં આ યુનિવર્સિટી ક્રમશઃ વિકાસ પામી રહી છે. હાલમાં જ યુનિવર્સિટીએ નેકના મૂલ્યાંકનમાં એ ગ્રેડ મેળવી ગુજરાતના શિક્ષણ જગતમાં એક આદર્શ સ્થાપિત કર્યો છે.HS