ગુજરાતમાં વર્ષ ૨૦૨૨માં યોજાનાર ચૂંટણીમાં ભાજપને એડીચોટીનું જોર લગાડવું પડશે
ગાંધીનગર, ૨૦૨૨નું વર્ષ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું વર્ષ છે. આગામી ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, ત્યારે હવે ગુજરાતમાં બે મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. ૧૮૨ વિધાનસભાની બેઠકો અંકે કરવા માટે ભારતીય જનતા પક્ષ દ્વારા ભરતી મેળાના આયોજન થઈ રહ્યા છે.
તો સામા પક્ષે કોંગ્રેસ એન્ટી ઇન્કમબન્સીનો લાભ ઉઠાવી સત્તા મેળવવા મહેનત કરી રહી છે. ત્યારે પાટણ જિલ્લાની ૪ બેઠકોની વાત કરીએ તો ૨૦૧૭માં વિધાનસભાની ચાર બેઠકોમાંથી રાધનપુર, પાટણ, સિદ્ધપુર બેઠક કોંગ્રેસ પાસે છે, જ્યારે ચાણસ્માની એકમાત્ર બેઠક ભાજપ પાસે છે.
ચૂંટણી વર્ષ હોય ત્યારે બેઠકોના લેખાજાેખા જાેઈએ તો ભારતીય જનતા પક્ષ માટે ચારેય બેઠકો કબજે કરવા માટે ભારે મહેનત કરવી પડે તેમ છે. અત્યારના સંજાેગોને જાેતાં ભારતીય જનતા પક્ષ માટે પાટણ જિલ્લાની ૪ બેઠકો માટે નવા મુરતિયા ઉતારવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.
૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપનું ગણિત જાેઈએ તો પાટણ, ચાણસ્મા બેઠક ઉપર સંઘના કોઇ ઉમેદવારને મૂકે તો નવાઈ નહીં. જ્યારે સિદ્ધપુર બેઠક માટે માત્ર નરેન્દ્ર મોદી અને પક્ષની મદદ સિવાય આ બેઠક ઉપર કોઈ જાણીતો અને ચૂંટણી જીતી શકે તેવો એકેય ચહેરો નથી.
જીઆઇડીસીના પૂર્વ ચેરમેન ઉદ્યોગપતિ અને પૂર્વ ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત ભાજપ માટે ઉમેદવાર હોઈ શકે. પરંતુ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન આ મુદ્દો ક્યાંક સામે આવે તો તેમની માટે થોભો અને રાહ જુઓ તેવી સ્થિતિ છે.
રાજકીય સૂત્રોનું માનીએ તો ભાજપ સિદ્ધપુરની બેઠક માટે ભાજપ પાસે હાલમાં સક્ષમ ઉમેદવાર એક પણ નથી, તો રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર પર લટકતી તલવાર હોવાનું જાણવા મળ્યું છે. આમ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની ૪ વિધાનસભાની બેઠક ભાજપ માટે વિડંબના ઉભી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.HS