Western Times News

Gujarati News

બાયરાક્ટર ડ્રોનથી હુમલાઓ કરીને રશિયન લડાકુ વાહનોનો નાશ કરાયો

કીવ, તુર્કીના બાયરાક્ટર ટીબીટી-૨ ડ્રોન આર્મેનિયાના નગાર્નો-કારાબાખ બાદ હવે યુક્રેન યુદ્ધમાં ફરી એકવાર રશિયન શસ્ત્રોનો કાળ બની રહ્યા છે. યુક્રેનિયન સૈન્યએ બાયરાક્ટર ટીબીટી ૨ ડ્રોનની મદદથી રશિયન ટેન્ક અને સશસ્ત્ર વાહનો પર આક્રમક હુમલો શરૂ કર્યો છે.

યુક્રેનના વાયુસેનાના વડા લેફ્ટનન્ટ જનરલ માયકોલા ઓલેશ્ચુકે હુમલાની પુષ્ટિ કરતા બાયરાક્ટર ડ્રોનને જીવન આપનાર ગણાવ્યું. દરમિયાન રશિયાએ એવો પણ દાવો કર્યો છે કે તેણે ઘણા બાયરાક્ટર ડ્રોનને તોડી પાડ્યા છે.

યુક્રેનના દૂતાવાસે એક ડઝનથી વધુ સૈન્ય વાહનો ધરાવતા રશિયન લશ્કરી કાફલા પર મોટા પાયે હુમલાનો વિડીયો જાહેર કર્યો છે. આ હુમલામાં રશિયન લડાકુ વાહનો નાશ પામ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફૂટેજ કિવથી ૬૦ માઈલ દૂર આવેલા મલયાનના છે.

યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું કે બીજાે હુમલો યુક્રેનના દક્ષિણ ભાગમાં આવેલા ચોર્નોબેવકામાં થયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં ભીષણ લડાઈ ચાલી રહી છે.

એમ્બેસીએ કહ્યું, ‘કાંટા વગર ગુલાબ હોતું નથી. રશિયન હુમલાખોરો સાથે બાયરાક્ટર ટીબીટી ૨ ડ્રોન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. શનિવારે યુક્રેનની સૈન્યએ બીજાે ડ્રોન વિડીયો બહાર પાડ્યો હતો જેમાં ડ્રોન હુમલામાં રશિયન કાફલાનો નાશ થયો હતો.

આ દક્ષિણી શહેર ખેરસનમાં રશિયન સેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે યુક્રેનની મદદ કરવા માટે નાટોના સભ્ય દેશ તુર્કીએ યુક્રેનને બાયરાક્ટર ટીબીટી ૨ ડ્રોન આપ્યા છે. યુક્રેનિયન એરફોર્સ કમાન્ડના પ્રવક્તા કર્નલ યુરી ઇગ્નાટીએ યુદ્ધની શરૂઆત પહેલા કહ્યું હતું કે, આ તુર્કી ડ્રોન દુશ્મનની તોપો પર ખૂબ જ ચોકસાઈથી હુમલો કરે છે અને ટેન્કોના કોલમને પણ નષ્ટ કરે છે.

બાયરાક્ટર એક ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાની ડ્રોન છે જે વાસ્તવિક સમયમાં હુમલો કરે છે અને તે સંપૂર્ણ સ્વચાલિત સિસ્ટમ છે. આ ડ્રોન એક એવું હથિયાર છે જે માત્ર સેકન્ડમાં હુમલો કરવાની શક્તિ ધરાવે છે. આ ડ્રોન જાસૂસ છે.

યુક્રેનના મિલિટરી ડ્રોન પ્રોગ્રામને ચલાવતા એક સૈન્ય અધિકારીએ કહ્યું કે, રશિયન સૈનિકો માટે આ ડ્રોનનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ હશે. તેમણે ટીબીટી ૨ ડ્રોન ઉડાડવા માટે વર્ષ ૨૦૧૯માં તુર્કીમાં ૩ મહિનાની તાલીમ લીધી છે. આ તુર્કી ડ્રોન કંપની બાયકર મકિના દ્વારા બનાવવામાં આવ્યું છે, જે તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ રેસેપ એર્દોગનના જમાઈ સેલકુક બાયરાક્ટર દ્વારા સંચાલિત છે.

યુક્રેનિયન અધિકારીએ કહ્યું કે અમારી પાસે અત્યારે ૨૦ ટીબીટી ૨ ડ્રોન છે પરંતુ તે અહીં અટકવાનું નથી. અમેરિકન એમક્યુ-૯ની સરખામણીમાં તુર્કીનું બાયરાક્ટર ટીબી૨ હળવા હથિયારોથી સજ્જ છે. તેમાં ચાર લેસર-ગાઈડેડ મિસાઈલ લગાવી શકાય છે.

રેડિયો ગાઈડેડ હોવાથી આ ડ્રોન ૩૨૦ કિમીની રેન્જમાં ઓપરેટ કરી શકાય છે. આ ડ્રોન બનાવનારી કંપની બાયકરે ૧૯૮૪માં ઓટો પાર્ટ્‌સ બનાવવાનું શરૂ કર્યું, બાદમાં તે એરોસ્પેસ ઉદ્યોગમાં જાેડાઈ ગઈ.

નાટોના સભ્ય પોલેન્ડે ગયા વર્ષે કહ્યું હતું કે તે તુર્કી પાસેથી ૨૪ ટીબી૨ ડ્રોન ખરીદશે. તુર્કીનો દાવો છે કે અન્ય ઘણા નાટો દેશો પણ તેની સાથે વ્યવહાર કરવા માટે વાતચીત કરી રહ્યા છે. ટીબી૨ ડ્રોને ૨૦૨૦ની શરૂઆતમાં સીરિયાના આકાશમાં તેની શક્તિ બતાવીને વિશ્વમાં એક છાપ ઉભી કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.