બોડકદેવની એઆઈએસ સ્કૂલના લીધે થતાં ટ્રાફિકજામથી લોકો ત્રસ્ત
સ્થાનિક લોકોએ સ્કૂલ સંચાલકોને મળી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા રજૂઆત કરી
(એજન્સી)અમદાવાદ, બોડકદેવ વિસ્તારમાં આવેલી અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ એઆઈએસ માં બાળકોને લેવા માટે તેમજ મુકવા માટે આવતા વાલીઓના વાહનોના લીધે ટ્રાફીકજામની સમસ્યા સર્જાતી હોઈ આજુબાજુના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.
આ મુદે સોમવારના રોજ સ્કુલના પ્રિન્સીપાલને મળી ટ્રાફીકની સમસ્યાના નિરાકરણ માટે રજુઆત કરવામાં આવી હતી. જેમાં સ્કૂલના પાર્કીગ પ્લોટમાં વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગણી કરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ શરૂ થવાના સમયે તેમજ સ્કુલ છૂટવાના સમયે બાળકોને લેવા માટે તેમજ મુકવા માટે વાલીઓ મોટી સંખ્યામાં પોતાના વાહનો લઈને શાળાએ આવતા હોય છે. વાલીઓ જયારે બાળકોને લેવા કે મૂકવા માટે આવે ત્યારે સ્કૂલ બહાર વાહનો પાર્ક કરવામાં આવતા હોવાથી ટ્રાફીકની સમસ્યા સર્જાય છે.
ઘણા કિસ્સામાં તો વાહન ચાલકો દ્વારા જાેરજાેરથી હોર્ન વગાડતા હોવાના લીધે આજુબાજુ રહેતા રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આજુબાજુ ખાતે રહેતા લોકોને ટ્રાફીકની સમસ્યાથી છૂટકારો મળે તે માટે વાલી અગ્રણી અમીત પંચાલ સ્થાનીક લોકોને લઈને સ્કૂલના સંચાલકોએ રજુઆત કરવા માટે ગા હતા. જયાં તેમણે સંચાલકોને મળી ટ્રાફીકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માગણી કરી હતી. બાળકોને લેવા તેમજ મુકવા માટે આવતા વાલીઓ સ્કૂલના પાર્કીગ પ્લોટમાં પોતાના વાહનો પાર્ક કરે તો સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ હોવાનું જણાવ્યું હતું.