Western Times News

Gujarati News

કોંગ્રેસ સંગઠનમાં આગામી સપ્તાહે તોળાતા ધરખમ ફેરફારો

જેને સંગઠનમાં કામ કરવામાં રસ હશે તેને જ પ્રાધાન્ય અપાશે

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત કોંગ્રેસમાં આગામી અઠવાડિયામાં ધરમૂળથી ફેરફારો તોળાઈ રહયા છે. પક્ષ તેના સંગઠનમાં વ્યાપક બદલાવની નીતિ અપનાવે તેમ મનાય છે. ખાસ તો જેને સંગઠનમાં કોઈપણ જાતની અપેક્ષા વિના કામ કરવુ છે તેવા ચહેરાઓનો સમાવેશ કરાશે.

મતલબ એ કે હવે કોંગ્રેસના આગેવાનો- કાર્યકરોએ જમીન પર આવીને પુનઃ પોતાની શક્તિ બતાવવી પડશે. નવા પ્રદેશ પ્રમુખની નિમણુંક થયા પછી તમામ મતભેદો ભૂલીને આગેવાનોને એક જ પ્લેટફોર્મ પર લાવવાના પ્રયાસ શરૂ થઈ ગયા છે. બીજી તરફ તાજેતરમાં દ્વારકા આવેલા કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ પણ એક જુથ રહી સંગઠનને મજબુત બનાવવા પર ભાર મુકયો હતો.

જેને સંગઠનમાં કામ કરવામાં રસ હોય તેવા યુવા ચહેરાઓને તથા કેટલાક સિનિયર આગેવાનોને સ્થાન મળી શકે છે સિનિયર આગેવાનોને આમ તો લોકસભાની જવાબદારી સોંપવામાં આવી છે તેથી તેમના માટે કોઈ પ્રશ્ન ઉભો થતો નથી તેમ છતાં પ્રદેશ નેતાગીરી આ દિશા તરફ વિચારી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જેને ધારાસભા લડવી હોય તેમને જીલ્લા પ્રમુખ બનાવવામાં આવશે નહિ તે અંગે વિચારણા ચાલી રહી છે તેથી જીલ્લામાં કોંગ્રેસ સંગઠનને મજબુતી મળશે કેમકે ધારાસભા અને જીલ્લા પ્રમુખ બનવાના દાવેદારો ખાસ્સી એવી સંખ્યામાં હોય છે તેથી જે આગેવાનોને જયાં જવું હશે તેના માટે આગળ આવશે તેવો એક તર્ક વ્યક્ત થઈ રહયો છે. આગામી અઠવાડિયામાં પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારોને અવકાશ રહેલો છે.

માળખાનું કદ નાનુ હશે કે જમ્બો રહેશે તેનો ખ્યાલ તો આગામી દિવસોમાં આવશે કોંગ્રેસે પણ વિધાનસભાની યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી કવાયત શરૂ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.