રાજ્યની ૯ નગરપાલિકાઓમાં ૧૧ સ્થળોએ અંદાજે ૧.૯૦ મેગાવોટ ક્ષમતાના સોલાર પ્લાન્ટ સ્થપાશે

ગાંધીનગર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ દેશમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતના ઉપયોગનો વ્યાપ વધારી ગ્રીન-કલીન એનર્જી માટેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનને સાકાર કરતા રાજ્યમાં ૯ નગરપાલિકાઓને ૧૧ સોલાર પ્લાન્ટ સ્થાપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ સૌર ઉર્જા ઉત્પાદનથી રાજ્યની નગરપાલિકાઓમાં વીજ બિલ ખર્ચ ઘટાડવા તેમજ નગરોમાં સ્વચ્છ-પર્યાવરણ પ્રિય સૂર્ય ઉર્જાના વિનિયોગ માટે ૯ નગરોમાં ૧૧ વિવિધ સ્થળોએ આ સોલાર પ્લાન્ટની સ્થાપના માટે રૂ. ૧૨.૩૬ કરોડના કામોને અનૂમતિ આપી છે.
રાજ્યના નગરોમાં સ્યુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ એસ.ટી.પી ના સંચાલનમાં વીજ વપરાશ મહત્વની ભૂમિકા ભજવે છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીએ આવા એસ.ટી.પી પ્લાન્ટ પરિસરમાં સોલાર પેનલ દ્વારા વીજ ઉત્પાદન માટે શહેરી વિકાસ વિભાગને પ્રેરિત કર્યો છે.
મુખ્યમંત્રીએ જે ૯ નગરપાલિકાઓમાં સોલાર પ્લાન્ટ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમાં સાણંદ, પોરબંદર-છાયા, ખેડબ્રહ્મા, ભુજ, હિંમતનગર, અમરેલી રાજપીપળા, દહેગામ અને ગાંધીધામમાં કુલ ૧૧ સ્થળોએ પ્લાન્ટ સ્થપાશે. તદ્દઅનુસાર, ૭ સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, ૩ હેડવર્કસ/પમ્પીંગ સ્ટેશન અને ૧ ટાઉન હોલ પરિસરમાં સોલાર ઉર્જાના ઉપયોગ માટે આ પ્લાન્ટ સ્થપાવાના છે.
આ નવ નગરપાલિકાઓમાં કુલ ૧.૯૦ મેગાવોટ ક્ષમતાના સોલાર પ્લાન્ટ કાર્યરત થવાથી આગામી સમયમાં વાર્ષિક ૧.૯૭ કરોડ રૂપિયાની વીજ ખર્ચ બચત પણ થશે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એવી નગરપાલિકાઓમાં એસ.ટી.પી સહિતના અન્ય પરિસરમાં સૌર ઉર્જાના ઉપયોગથી વીજ ખર્ચમાં બચત કરવાના હેતુથી અત્યાર સુધીમાં ચાર તબક્કાઓમાં ૩૪ નગરપાલિકાઓમાં ૭૪ સ્થળોએ આવા સોલાર પાવર પ્લાન્ટસ માટે રાજ્ય સરકારે ૪૦.૯૦ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે.
આના પરિણામે નગરપાલિકાઓને વાર્ષિક આશરે ૧૦ કરોડ રૂપિયાની વીજ ખર્ચ બચત થવાનો અંદાજ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે આ વધુ ૯ નગરપાલિકાઓમાં સોલાર પ્લાન્ટ સ્થાપના માટેની ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશને શહેરી વિકાસ વિભાગ મારફતે રજુ કરેલી દરખાસ્તને મંજૂરી આપી છે.HS