ચવલજ ખાતે નિર્માણ થયેલ બ્રિજથી અમદાવાદ ખેડાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે

ચાંદીયલ રણોદરા ચવલજ રોડથી ભાવડા ઉન્દ્રેલ ભીતીયાને જોડતા મેશ્વો નદી પરના રૂપિયા ૧૧ કરોડના ખર્ચે ત્યાર થયેલા મેજર બ્રિજનું માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ સંપન્ન
બ્રિજ ઉદઘાટન સ્થળેથી માર્ગ મકાન મંત્રીશ્રીએ બે ઈલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ચાંદીયલ રણોદરા ચવલજ રોડથી ભાવડા ઉન્દ્રેલ ભીતીયાને જોડતા મેશ્વો નદી ઉપર અંદાજે રૂપિયા 11 કરોડના ખર્ચે બનાવેલા મેજર બ્રિજનું રાજયના માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ સંપન્ન થયું અને બ્રિજ ઉદઘાટન સ્થળેથી બે ઈલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી બસનું પ્રસ્થાન પણ મંત્રીશ્રીએ કરાવ્યું હતું.
આ અવસરે મંત્રી શ્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે, આ બ્રિજથી અમદાવાદ, મહીસાગર, ખેડા તથા અન્ય જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.
આ બ્રિજ બનવાથી હીરાપુર, હરણીયાવ, ભુવાલ, મામાકાના, ઉન્દ્રેલ તેમજ ચાંદિયલ, રણોદરા, ચવલજ તથા અન્ય આસપાસના ગામોના અંદાજે ૩૨ હજારથી વધુ નાગરિકોને લાભ મળશે.
આ બ્રિજ અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે, અમદાવાદ રીંગરોડ તથા અમદાવાદ મહેમદાવાદ હાઈવેથી અમદાવાદ, મહીસાગર, ખેડા તથા અન્ય જિલ્લા-તાલુકાને જોડતો અગત્યનો રસ્તો છે. આ બ્રિજ ઔદ્યોગિક વિકાસ માટે તથા આંતરિક વાહન વ્યવહાર માટે ખૂબ જ અગત્યનો પુરવાર થશે એમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આ બ્રિજના નિર્માણ પહેલા ચવલજથી ભીતીયા જવા માટે ચાંદિયલ-રણોદરા-ચવલજ રોડ થઈ અમદાવાદ-ઈન્દોર રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ભાવડા-ઉન્દ્રેલ-મામાકાના રોડથી મામાકાના-ભીતીયા રોડ ૨૫ કિમી.નું અંતર કાપવુ પડતુ હતુ, જે હવે માત્ર ૧ કિમી.નુ જ રહ્યુ છે.
આ હાઈ લેવલ સબમર્સિબલ બ્રિજ એપ્રોચ રસ્તા સાથે બનવાથી નાગરિકોને યાતાયાત માટે વધુ સુગમતા રહેશે. સાથે જ નજીકના ભવિષ્યમાં ગ્રામજનોને કૃષિ, ઔદ્યોગિક, શૈક્ષણિક તથા રોજગારી અર્થે ભવિષ્યમાં સોનેરી તકો ઉપલબ્ધ થશે.
ગુજરાત રાજ્યની સાત કરોડની જનતાને રોડ કનેક્ટિવિટીનો લાભ મળે તે માટે ગામડાઓને જોડતા રોડનો અભિયાન હાથ ધરાવની સાથે અનેક નવા કોઝવે અને નવા રસ્તાઓનું નિર્માણ કરીને સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની સાથે રોડ સેફ્ટીનું પણ ધ્યાન રાખવામાં આવતું હોવાનું મંત્રી શ્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું કે, આજે કેન્દ્ર અને રાજ્ય સરકાર એક ગામથી બીજા ગામની કનેક્ટિવિટી વધારવાનું કામ કરી રહી છે. આ કનેક્ટિવિટીથી સૌથી મોટો ફાયદો જનતાને મળી રહ્યો છે તેમના સમયની બચત થઈ રહી છે સાથો સાથ આ કનેક્ટિવિટીથી પેટ્રોલ અને ડીઝલની પણ બચત થવાની છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, છેવાડાના ગામડાના લોકોને પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવી રાજ્યના આર્થિક, સામાજીક તેમજ શૈક્ષણિક વિકાસમાં સિંહફાળો આપી રહી છે.
રસ્તાઓ સારા બનવાથી ધરતીપુત્ર કે અન્ય લોકો પોતાનો વેપાર ધંધો સરળતાથી કરી શકશે અને લોકોને રોજગારી પણ વધુ મળી રહેશે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
રાજ્યની પ્રજાને આધુનિક અને સગવડભરી યાતાયાત સેવા મળી રહે તે માટે એસટી નિગમ સતત પ્રયત્નશીલ છે. નાના માણસનની પરિવહન સુવિધા માટે રાજ્ય સરકાર એસ.ટી. સેવાને ચલાવવા માટે સંપૂર્ણ પ્રતિબંધ છે મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ગ્રામ વિકાસ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે, આ બ્રિજના લોકાર્પણ થવાથી 25 કિલોમીટરનું અંતર હવે માત્ર એક કિલોમીટરમાં સમેટાઈ ગયું છે. ચવલજ ગામના આજુબાજુના ગામડાના લોકોના સમયની સાથે સાથે ડીઝલ અને પેટ્રોલની બચત પણ થવાની છે.
તેમણે ઉમેર્યું કે ‘સૌનો સાથ સૌનો વિકાસ’ કરતી આ સરકાર રાજ્યના ગામડા હોય કે જિલ્લાઓમાં માર્ગનો વિકાસ કરીને જનતાને કનેક્ટિવિટી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે.
તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ વિકાસનો જે ચીલો ગુજરાતમાં પાથર્યો હતો એ જ દિશામાં શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આ સરકાર કામ કરી રહી છે, નવા આયામો સિદ્ધ કરી રહી છે એમ મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મંત્રીશ્રી અર્જુન ચૌહાણે કહ્યું કે, છેવાડાના માનવીની સુખાકારી જ સરકારની પ્રાથમિકતા છે. છેવાડાના માનવીનો વિકાસ થશે તો જ ગામ, જિલ્લો, રાજ્ય અને દેશનો વિકાસ થશે. મંત્રીશ્રીએ સરકારની વિવિધ યોજનાઓની તલસ્પર્શી માહિતીઓ પણ આ અવસરે આપી હતી.
આ પ્રસંગે દસકોઈના ધારાસભ્ય શ્રી બાબુભાઇ પટેલ, જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા, વાહન વ્યવહાર અને માર્ગ વિભાગનાં અધિકારીઓશ્રી, ચીફ મિકેનિકલ એન્જિનિયર શ્રી એ.કે પરમાર, ભાજપ સંગઠન પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસ્વામી તેમજ ઉપસ્થિત રહ્યા હતા.