જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધ હટતા પર્યટકો માટે દરવાજા ખુલ્લા
શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરની અર્થવ્યવસ્તાની લાઈફલાઈન એવા પર્યટકોની અવરજવર પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તે હવે હટાવી દેવાયો છે. રાજ્યમાં કલમ ૩૭૦ હટાવાયા બાદથી સુરક્ષા કારણોસર પર્યટકો માટે દ્વાર બંધ કરી દેવાયા હતાં. એકવાર ફરીથી પર્યટકોને આવકાર આપતી એડવાઈઝરી સરકારે બહાર પાડી છે.
જમ્મુ અને કાશ્મીરના ગૃહ વિભાગે આ અંગે એક એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં કહેવાયુ છે કે પર્યટકોના આગમન પર ગત ૨ ઓગસ્ટથી લાગેલા પ્રતિબંધને હટાવી લેવામાં આવ્યો છે. રાજ્યમાં આવવા ઈચ્છુક પર્યટકોને તમામ પ્રકારની જરૂરી મદદ અને અન્ય સહાયતા પ્રદાન કરવામાં આવશે. કહેવાય છે કે આ નિર્ણયથી રાજ્યના પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને એક નવી આશાનું કિરણ મળ્યું છે.
જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક ૭ ઓક્ટોબરના રોજ આયોજિત કરવામાં આવી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે ૧૦ ઓક્ટોબરથી પર્યટકો સંબંધિત એડવાઈઝરીને હટાવવામાં આવશે. પર્યટન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના આ પગલાનું સ્વાગત થયું છે અને આશા વ્યક્ત કરવામાં આવી છે કે આ જાહેરાત બાદ હજુ વધુ પર્યટકો કાશ્મીર ખીણમાં આવશે.
શ્રીનગર આવેલા પર્યટક વૌપારી મોહમ્મદ હાફિઝ શલ્લા કહે છે કે કાશ્મીર ખુબ સુંદર છે, અહીં બધુ જ છે. હવે એ તમારા પર નિર્ભર કરે છે કે સરકાર કાશ્મીરીઓને કેવી રીતે પ્રમોટ કરે છે, અમને આનંદ છે કે આ એડવાઈઝરીને હટાવવામાં આવી છે.