AIના વિમાન અપહરણમાં સામેલ મિસ્ત્રીની હત્યા

કરાચી, પાકિસ્તાનના કરાચીમાં ઈન્ડિયન એરલાઈન્સ આઈસી-૮૧૪ના અપહરણમાં સામેલ ઝહૂર મિસ્ત્રીની હત્યા કરી દેવાઈ હોવાનો દાવો કરાયો છે. ઝહૂર આઈસી-૮૧૪નું અપહરણ કરનારી પાંચ લોકોની ટીમમાં સામેલ હતો. ઝહૂર વર્ષ ૧૯૯૯માં વિમાન અપહરણની ઘટનાને અંજામ આપ્યા પછી અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો ત્યારે આશંકા વ્યક્ત કરાઈ હતી કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ તેને કોઈ ગુપ્ત સ્થળે છૂપાવી દીધો છે.
બાદમાં જાણવા મળ્યું કે, કરાચીમાં જાહિદ અખુંદના નામથી તે પોતાનો બિઝનેસ ચલાવી રહ્યો હતો. પાકિસ્તાનમાં ટ્રેઈન કરાયેલા આતંકવાદીઓએ ૨૪ ડિસેમ્બર, ૧૯૯૯એ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ આઈસી-૮૧૪ને હવામાં જ હાઈજેક કરી લીધી હતી. તે પછીથી એ વિમાનને અફઘાનિસ્તાનના કંદહાર લઈ જવાયું હતું અને બદલામાં મસૂદ અઝહર જેવા આતંકવાદીને મુક્ત કરાવ્યો હતો.
ન્યૂઝ ૯એ પાકિસ્તાનના ગુપ્તચર સુત્રોને ટાંકીને જણાવ્યું કે, ઝહૂર મિસ્ત્રી ઉર્ફે જાહિદ અખુંદ ૧ માર્ચે કરાચી શહેરમાં માર્યો ગયો હતો. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે, તે છેલ્લા ઘણા વર્ષોથી જાહિદ અખુંદની નવી ઓળખ સાથે કરાચીમાં રહેતો હતો.
ઝહૂર મિસ્ત્રી કરાચીમાં અખ્તર કોલોનીમાં ક્રિસેન્ટ ફર્નિચર નામથી એક શો રૂમ પણ ચલાવી રહ્યો હતો. ન્યૂઝ ૯એ એવો પણ દાવો કર્યો છે કે, ઝહૂર મિસ્ત્રીના અંતિમ સંસ્કારમાં ઉફ અસગર સહિત જૈશ-એ-મોહમ્મદનું ટોચનું નેતૃત્વ સામેલ થયું હતું. રઉફ અસગર જૈશનો ઓપરેશન ચીફ અને તેના ચીફ મસૂદ અઝહરનો ભાઈ છે.
પાકિસ્તાનની ટીવી ચેનલ જિયો ટીવીએ ઝહૂર મિસ્ત્રીના મોત પર રિપોર્ટિંગ કર્યું હતું. પરંતુ, તેણે અસલી નામને છૂપાવીને જણાવ્યું હતું કે, કરાચીમાં એક વેપારીની હત્યા કરી દેવાઈ છે. તેના રિપોર્ટમાં દર્શાવાયેલા સીસીટીવી ફૂટેજથી દાવો કરાયો કે, આ હત્યા માટે પુરું પ્લાનિંગ કરાયું હતું.
સીસીટીવી ફૂટેજમાં એ પણ જાેવા મળી રહ્યું હતું કે, અખ્તર કોલોનીના રસ્તા પર બે હથિયારધારી લોકો બાઈક પર ફરતા જાેવા મળ્યા હતા. બાદમાં તેમણે તક જાેઈને ફર્નિચરના શો-રૂમમાં જઈ ઝહૂર મિસ્ત્રીની હત્યા કરી દીધી.
ઈન્ડિયન એરલાઈન્સના આઈસી-૮૧૪ વિમાનનું ૨૪ ડિસેમ્બર, ૧૯૯૯એ નેપાળથી અપહરણ કરાયું હતું. આ વિમાનને અફઘાનિસ્તાનના કંદહારમાં ઉતારતા પહેલા અમૃતસર, લાહોર અને દુબઈ લઈ જવાયું હતું. ત્યારે અફઘાનિસ્તાન તાલિબાનના કબજામાં હતું. તેમણે પાકિસ્તાનના આતંકવાદીઓને બધી મદદ અને સુરક્ષા પૂરી પાડી હતી. એક સપ્તાહ સુધી ચાલેલા આ હાઈજેક સંકટનો અંત લાવવા માટે ભારતે મસૂદ અઝહર, અહમદ ઓમર સઈદ શેખ અને મુશ્તાક અહમદ જરગર જેવા ખૂંખાર આતંકવાદીઓને છોડવા પડ્યા હતા.SSS