દાહોદના દેવગઢબારીયા તાલુકાના આંકલી ગામે બાળલગ્ન અટકાવવામાં આવ્યા
બાળલગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી આર.પી.ખાંટાની રાહબરી હેઠળ ટીમ બનાવી કાર્યવાહી કરવામાં આવી
એક જાગ્રૃત નાગરીક દ્રારા માહિતી આપવામાં આવી હતી
ગુરૂવાર: દાહોદ:- દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના જુનાબારીયા ગામના એક જાગ્રૃત નાગરીક દ્રારા તારીખ ૧૨ જુનના રોજ બપોરે ૨.૧૫ કલાકે લગ્ન કંકોત્રી સાથે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતે બાળલગ્ન બાબતની અરજી આપી હતી. જેમાં લગ્નવિધિ તા. ૧૩ જુન ના રોજ દેવગઢબારીયા તાલુકાના આંકલી ગામે સવારે ૮.૦૦ કલાકે રાખવાનું દર્શાવેલ હતું.
આ બાબતે બાળલગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી આર.પી.ખાંટા ધ્વારા કચેરી તાલુકા સહાયકો તથા બાળ સુરક્ષા એકમ સાથે રાખી ટીમ બનાવી વહેલી સવારે બાળલગ્ન અટકાયતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમા ૧૩ જુનના રોજ સવારે ૬.૪૫ કલાકે દેવગઢબારીયા તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી જુના બારીયા ખાતેના સ્થળે રૂબરૂ પહોચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પુછપરછમાં છોકરાની ઉંમરનો પુરાવો માંગતા જાળવા મળેલ કે તેની ઉંમર ૧૬ વર્ષ અને ૧૧ માસ થતી હતી. બાળલગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી દ્રારા સગીરના લગ્ન મોકુફ રાખવા તેના મા બાપ, હાજર ગ્રામજનો અને આંગેવાનો, સંરપંચશ્રી, સગાસંબધીઓ તમામને બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની સમજ આપી હતી. બાળલગ્ન થવાથી બાળકોના ભવિષ્ય પર ખરાબ અસર થાય છે. બાળકની ભણવાની ઉંમર એ લગ્ન કરાવી તેમના ભવિષ્યને અંધારામાં ન મુકવું જોઇએ. તથા સારામાં ભણતર આપીને તેમનું ભવિષ્ય ઉજ્જવણ બનાવવું જોઇએ.
ભવિષ્યમાં કે આસપાસના વિસ્તારમાં બાળલગ્ન ન થાય તે બાબતની તકેદારી રાખી અને છોકરાની ઉંમર ૨૧ વર્ષ અને છોકરીની ઉંમર ૧૮ વર્ષ થાય ત્યાર બાદ જ લગ્ન કરવા એ કાયદેસર છે અન્યથા ઉકત ઉમરથી ઓછી ઉંમરે થતા બાળલગ્ન અટકાવવા જોઇએ તેમ જણાવવામાં આવ્યુ હતું. દાહોદ જિલ્લાના બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર.પી.ખાંટાએ એક અખબારી યાદીમાં ઉપરોકત માહિતી આપી હતી.