મારિયુપોલની મસ્જિદમાં રશિયા દ્વારા બોમ્બમારો
કીવ, યુક્રેનના વિદેશ મંત્રીએ શનિવારે જણાવ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ યુક્રેનમાં આવેલાં પોર્ટ સિટી મારિયુપોલમાં એક મસ્જિદ ઉપર રશિયાની સેના દ્વારા બોંબમારો કરવામાં આવ્યો હતો. આ મસ્જિદની અંદર ૮૦ લોકો જીવ બચાવવા માટે શરણ લઈને બેઠા હતા. અને તે જ સમયે રશિયાની સેના દ્વારા મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો હતો.
મંત્રાલય દ્વારા પોતાના ટિ્વટર એકાઉન્ટ પર લખ્યું કે, મારિયુપોલમાં સુલ્તાન સુલેમાન ધ મેગ્નિફિસન્ટ અને તેમની પત્ની રોક્સોલોના( હુર્રેમ સુલ્તાન)ની મસ્જિદ પર રશિયાન આક્રમણકારીઓ દ્વારા બોંબમારો કરવામાં આવ્યો છે. તુર્કીના નાગરિકો સહિત અહીં બાળકો અને વયસ્કોની સાથે જીવ બચાવવા માટે ૮૦થી વધુ લોકો છૂપાયા હતા. જાે કે, હજુ સુધી એ જણાવવામાં આવ્યું નથી કે, મસ્જિદ પર આ હુમલો ક્યારે કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રશિયાની સેના દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી મારિયુપોલમાં હુમલો કરવામાં આવી રહ્યો છે અને રશિયાના સૈનિકો દ્વારા મારિયુપોલને ચારેબાજુથી ઘેરી દેવામાં આવ્યું છે. અને હવે શરણાર્થીઓ માટેની જગ્યા ઉપર પણ રશિયા દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે, જેનું તાજું ઉદાહરણ સુલ્તાન સુલેમાનની મસ્જિદ છે.
એક ડૉક્ટરે શુક્રવારે જણાવ્યું હતું કે, મારિયુપોલ શહેરમાં સ્થિતિ ખુબ જ વિકટ બની ગઈ છે, નાગિરકો કોઈપણ ભોગે દેશ છોડીને ભાગવા માટે મજબૂર બન્યા છે, તેમની પાસે પાણી નથી કે ન તો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ગરમી અને તેમની પાસે ભોજન પણ પૂરું થઈ ગયું છે.
યુક્રેનના વિદેશ મંત્રી ડિમિત્રો કુલેબાએ શુક્રવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું ક, દુનિયામાં મારિયુપોલ એ સૌથી ખરાબ માનવીન નરસંહાર છે. અહીં ૧૨ દિવસમાં ૧૫૮૨ નાગરિકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત હાલમાં જ રશિયાની સેના દ્વારા બાળકોની હોસ્પિટલમાં બુધવારે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ વ્યક્તિ સહિત એક બાળકનું મોત નિપજ્યું હતું. જે બાદ દુનિયાભરના લોકોએ રશિયાની આકરી નિંદા કરી હતી.
બીજી બાજુ યુક્રેન દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, રશિયાની સેના દ્વારા મારિયુપોલમાં લોકોને સુરક્ષિત બહાર જવા દેતાં અટકાવવામાં આવી રહ્યા છે. જેને કારણે અનેક નાગરિકો શહેરમાં ફસાઈ ગયા છે. જાે કે રશિયા દ્વારા યુક્રેન પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, તે તેના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢી શકવામાં નિષ્ફળ રહ્યું છે.SSS