કરતારપુર સાહિબમાં ગુરુ નાનકે ખેતી કરી હતી ત્યાં હવે ફરીથી મોટા પાયે ખેતી કરાશે

જાલંધર, કરતારપુર સાહિબના દર્શનાર્થે પાકિસ્તાન જતા શ્રદ્વાળુઓને હવે ગુરુના લંગરમાં જે પ્રસાદી અપાશે તે એ જ ખેતપેદાશોની ઉપજ હશે જ્યાં ૧૮ વર્ષ સુધી સ્વયં ગુરુ નાનક દેવએ ખેતી કરી હતી. પ્રસાદમાં અપાતા ફળો પણ ગુરુના ઉદ્યાનથી જ આવશે. કરતારપુર સાહિબના ગુરુદ્વારા દરબાર સાહિબના મુખ્ય પ્રમુખ જ્ઞાની ગોબિંદ સિંહ અનુસાર આ વર્ષે ૨૨ જૂનથી આ યોજના શરૂ થશે.
ગુરુ નાનક દેવેએ પોતાના જીવનના અંતિમ ૧૮ વર્ષો કરતારપુર સાહિબમાં વ્યતિત કર્યા હતા. ગુરુદ્વારા મેનેજમેન્ટ માટે પાકિસ્તાન સરકાર તરફથી શરૂ કરાયેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (પીએમયુ)એ આ માટે ૬૪ એકર જમીન ફાળવી છે.
૧૫ એકરમાં સૂરજમુખીનું વાવેતર કરાયું છે. ૧૦ એકરમાં જૈતૂન તેમજ ૧૦-૧૦ એકરમાં ઘઉં અને મકાઇનું વાવેતર કરાશે. ૧૦ એકરમાં ફળોનો બગીચો બની રહ્યો છે. જેમાં જામફળના જ ૨૦૦ વૃક્ષો ઉગાડવામાં આવશે. દાળ અને અન્ય શાકભાજી માટે પણ વિશાળ વાવેતર વિસ્તાર રહેશે.
પાક. શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના સભ્ય ઇન્દ્રજીત સિંહે કહ્યું કે, પહેલા ગુરુદ્વારા સાહિબમાં શ્રદ્વાળુઓ જ લંગરનો સામાન મોકલતા હતા. હવે અહીંયા જ સામાન મળી રહેશે. ગુરુના ખેતરના પાકના વાવેતરમાં છાણ અને અન્ય જૈવિક ખાતરનો જ ઉપયોગ કરાશે.
પીએમયુના સીઇઓ મોહમ્મદ લતીફે જણાવ્યું કે, કરતારપુર સાહિબમાં વસવાટ દરમિયાન ગુરુ નાનક દેવે જ્યાં ખેતી કરી, તે આજે પણ ગુરુદ્વારા સાહિબની પાસે જ છે. હવે ત્યાં જ ફરીથી ખેતી કરાશે. પંજાબથી આવતા શ્રદ્વાળુઓને કોઇ મુશ્કેલી ના નડે તે માટે આ ખેતરોમાં પંજાબી ભાષામાં બોર્ડ લગાવાયા છે.HS