વાવડી ( ખુર્દ) પાસે દારૂ ભરી જતી ગાડી પલટી ખાઈ જતાં દોડધામ

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરાના વાવડી ( ખુર્દ ) પાસે વિદેશી દારૂનો જથ્થો ભરી પુરઝડપે જઈ રહેલી ઝાયલો ગાડી પલટી ખાઈ જતાં દોડધામ મચી ગઇ હતી . ગોધરા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ૯૩ હજારની મતાનો વિદેશી દારૂનો જથ્થો અને ગાડી કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે .
ઉલ્લેખનીય છે કે પોલીસ પહોંચતા પૂર્વે વિદેશી દારૂનો કેટલોક જથ્થો ત્યાંથી પસાર થતાં લોકોએ સરકાવી લીધો હોવાની તેમજ ગાડીનો ચાલક ઈજાગ્રસ્ત થયો હોવાની ચર્ચાઓ સાંભળવા મળી હતી . પોલીસે હાલતો ગાડી નંબર આધારે તપાસ ચલાવી છે . કે ગોધરા અમદાવાદ હાઇવે ઉપર ગોધરાના વાવડી ( ખુર્દ ) રેલવે સ્ટેશન નજીકથી વહેલી સવારે એક ઝાયલો ગાડી પસાર થઈ રહી હતી.
આ ગાડી અચાનક ચાલકને જાેકું આવવાથી અથવા કોઈ ટેક્નિકલ કારણોસર રોડની સાઈડમાં ધડાકાભેર પલટી ખાઈ જતાં ગાડીના ભુક્કા બોલી ગયા હતાં . બીજી તરફ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો જે ફંગોળાઇ ગાડી માંથી બહાર ફેંકાયો હતો . આ બાબતની જાણ ગોધરા તાલુકા પોલીસને થઈ હતી જેથી પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
જાેકે પોલીસ પહોંચે એ પૂર્વે ત્યાં લોકટોળા એકત્રિત થઈ ગયા હતા અને કેટલાક લોકોએ કવાટરીયા સેરવી લઈ રવાના થઈ ગયા હોવાની ચર્ચાઓ સ્થાને રહી હતી . દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી જતાં ગાડીમાંથી ૯૩૦ કવાટરીયા ૯૩ હજારનો જથ્થો મળી આવતાં કબજે લઈ ગાડીને ટોલ પ્લાઝા ખાતે ખસેડી ચાલક અને ગાડી નંબર આધારે માલિક સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે .