આણંદ ખાતે સ્ટ્રીટ ચિલ્ડ્રનોનું કરવામાં આવેલ મેડીકલ ચેક-અપ

(માહિતી) આણંદ, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વાર દિવસ-રાત બાળકોની માટેની હેલ્પલાઇન-૧૦૯૮ કાર્યરત છે. જે અંતર્ગત આણંદ ચાઇલ્ડ લાઇન-૧૦૯૮, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને રેલ્વે હેલ્પ ડેસ્ક, આણંદના સંયુકત ઉપક્રમે તાજેતરમાં સરકારના આદેશ મુજબ સ્ટ્રીટ ચિલ્ડ્રનોનું સર્વે કરી
આ બાળકોની બાલ સ્વરાજ પોર્ટલ પર એન્ટ્રી કરવામાં આવી હતી તેવા સ્ટ્રીટ ચિલ્ડ્રન બાળકોનું તાજેતરમાં મેડીકલ ચેક-અપ કરવામાં આવ્યું હતું. તદ્અનુસાર ચિલ્ડ્રન ઇન સિચ્યુએશન બાળકોની ઓળખ કરી તેમના કૌટુંબિક, સંસ્થાકીય, શૈક્ષણિક, આરોગ્ય વિષયક પુનઃસ્થાપનની ત્વરિત કામગીરી કરવામાં આવી છે.
જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રના બી.એચ.ઓ. ડૉ. પ્રજાપતિ સાથે સંકલન કરીને આ બાળકોનું મેડીકલ ચેક-અપ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં બાલ સ્વરાજ પોર્ટલ પર થયેલી બાળકોની એન્ટ્રી તેમજ શાળાના બીજા બાળકોને પણ મેડીકલ ચેક-અપમાં આવરી લેવામાં આવ્યા હતા.
સ્ટ્રીટ ચિલ્ડ્રન મેડીકલ ચેક-અપ અંતર્ગત આણંદની પ્રાથમિક શાળા નં.૫ અને ૧૩ તથા હનુમાનપુરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓના સાથ-સહકારથી આણંદ અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. નીકિતાબેન, કરમસદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. સ્વાતિબેન, બોરિયાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. પીનલબેન તથા ડૉ. ચૈતન્ય દ્વારા બાળકોના આરોગ્યની સાથે તેમના ઉંચાઇ-વજન સહિતની ચકાસણી કરવામાં આવી હતી.
આ ચકાસણી કરવા ઉપરાંત બાળકોને સરકારની યોજનાઓમાં જાેડવા માટે જિલ્લાના વિવિધ વિભાગો સાથે સંકલન કરવાની સાથે આ સ્ટ્રીટ ચિલ્ડ્રન બાળકોના ઘરની તપાસ તથા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હોવાનું આણંદ ચાઇલ્ડ લાઇનના સિટી કો-ઓર્ડીનેટર અદિતિ પંડિતએ એક યાદી દ્વારા જણાવ્યું છે.