યુક્રેન- રશિયા વચ્ચે યુધ્ધમાં શરણાર્થીઓની સંખ્યા ૩૦ લાખે પહોંચી

(પ્રતિનિધિ) નવી દિલ્હી, યુક્રેન- રશિયા વચ્ચે ભિષણ યુધ્ધ ચાલી રહયુ છે બંને દેશોની સેના આમને-સામને આવી ગઈ છે. રશિયા તરફથી થઈ રહેલા ભિષણ બોંબમારા- રોકેટમારાને કારણે યુક્રેનના લાખો લોકો શરણાર્થી તરીકે આસપાસના દેશોમાં આશ્રય લઈ રહયા છે અંદાજે ૩૦ લાખ જેટલા લોકો યુક્રેનની આજુબાજુના દેશોમાં શરણાર્થી બન્યા છે. જાેકે રશિયામાં પણ એકાદ લાખ લોકો આશ્રય લઈ રહયાનું મનાય છે.
પોલેન્ડમાં ૮ લાખ કરતા વધારે શરણાર્થીઓ પહોંચ્યા છે. સ્લોવેકિયામાં ર લાખ કરતા વધારે, હંગેરીમાં ર,પ૦,૦૦૦ કરતા વધારે, અને રોમાનિયામાં ૪,પ૦,૦૦૦ કરતા વધારે યુક્રેની નાગરિકો શરણાર્થી બનીને આશ્રય લઈ રહયા છે લાખો લોકોને યુધ્ધના કારણે ઘર બહાર ખસેડવા પડયા છે તેઓ યુક્રેનની આસપાસના દેશોમાં પહોંચ્યા છે.
યુધ્ધ બે દેશો વચ્ચે નથી લડાતું પરંતુ તેમાં બંને દેશોના લોકોને અસર કરે છે. નિર્દોષ નાગરિકોએ પોતે વસાવેલા ઘરોને છોડવા પડયા છે. લાખો લોકો નિરાશ્રિત થયા છે તેઓને બીજા દેશોમાં જઈને આશ્રય લેવો પડયો છે.
યુક્રેનની આસપાસના દેશોએ માનવતાના નાતે પોતાની સરહદો ખુલ્લી મુકી છે કાતિલ ઠંડીમાં તેમને રહેવાથી માંડીને જમવા સુધી સગવડ ઉપલબ્ધ કરાવાઈ છે.
જાેકે લાખો લોકો આશ્રય લેવા પહોંચતા સ્થાનિક કક્ષાએ નાગરિકોને અસર થઈ રહી છે પરંતુ યુક્રેનની આસપાસના દેશના નાગરિકો પણ યુક્રેનના નાગરિકોને સહાય માટે આગળ આવ્યા છે હજુ યુધ્ધ લાંબુ ચાલ્યુ તો શરણાર્થીઓનો આંકડો વધી શકે છે. યુક્રેનના શહેરો ખંડેર બની ગયા છે મકાનો નષ્ટ થઈ રહયા છે પરિણામે નાગરિકો જીવ બચાવવા યુક્રેન છોડવા મજબૂર થઈ રહયા છે.