Western Times News

Gujarati News

PSI પર હુમલામાં પકડાયેલા આરોપીઓ વિરૂધ્ધ વધુ એક ફરિયાદ

મહિલા ગાયક કલાકારનું અપહરણ કરી ખંડણી માંગી

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં બે દિવસ પહેલા આરોપીને પકડવા ગયેલા પીએસઆઈ ભરવાડ અને સ્ટાફ ઉપર બુટલેગરોએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવાની ઘટનામાં એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. આ ઘટના બાદ આરોપીઓના અન્ય ગુનાઓ પણ બહાર આવી રહયા છે. એક મહિલા ગાયક કલાકારે પકડાયેલા આરોપી વિરૂધ્ધ ખંડણી, અપહરણ અને લુંટની ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના સુરેલીયા એસ્ટેટ પરમેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતી ગાયક કલાકાર ભૂમિ પંચાલ પોતાની કારમાં ડ્રાયવર સાથે ઘરે પરત ફરી રહી હતી ત્યારે પીએસઆઈ પર હુમલો કરનાર આરોપીઓ અક્ષય ભુરિયો, અજીત વાઘેલા તથા તેનો સાગરિત સાહિલ ડાભોલકરે તેની કારને અટકાવી હતી અને ડ્રાયવરને બળજબરીપૂર્વક નીચે ઉતારી દીધો હતો

ત્યારબાદ આ ત્રણેય જણાંએ તેની જ કારમાં ભુમિનું અપહરણ કરી રૂ.૧ લાખની ખંડણી માંગી હતી

આ સમયે તેની પાસે ૧૦ હજાર રૂપિયા હતા તે આ ત્રણેય આરોપીઓએ લૂંટી લીધા હતાં. ત્યારબાદ આરોપીઓએ ઓઢવ નજીક ભૂમિ પંચાલને છોડી મુકી હતી આ ઘટના બાદ ફરીથી ત્રણેય આરોપીઓ ભૂમિના ઘરે આવ્યા હતા અને રૂ.૧ લાખની ખંડણી માંગી હતી અને ધાકધમકી આપીને ભાગી ગયા હતાં.

આ દરમિયાનમાં જ પીએસઆઈ પર હુમલાની ઘટનામાં આરોપીઓ પકડાતા ભૂમિ પંચાલે હિંમત દાખવીને આ સમગ્ર ઘટના પોલીસ અધિકારીઓને જણાવી હતી અને સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.