ભારતીય મૂળની યુવતીની હત્યા, ટ્યુનિશિયાના નાગરિકની ધરપકડ

લંડન, સ્કોટલેન્ડ યાર્ડે લંડન ખાતે ભારતીય મૂળના એક બ્રિટિશ મહિલાની હત્યાની આશંકામાં ટ્યુનિશિયાના એક નાગરિકની ધરપકડ કરી છે.
તેમણે જણાવ્યું કે, શનિવારે લંડનના ક્લર્કેંવેલ વિસ્તારમાં આવેલા આર્બર હાઉસ ખાતે વિદ્યાર્થીઓ માટેના એક ફ્લેટમાંથી બ્રિટિશ નાગરિક સબિતા થાનવાની (૧૯)નો મૃતદેહ મળી આવ્યો હતો. તેની ગરદન પર ગંભીર ઈજાના નિશાનો હતા.
મેટ્રોપોલિટન પોલીસે આ મામલે ૨૨ વર્ષીય મહીર મારૂફની ધરપકડ માટે તાત્કાલિક અપીલ જાહેર કરી હતી. જાણવા મળ્યા મુજબ મારૂફ અને થાનવાની વચ્ચે પ્રેમ સંબંધ ચાલુ હતો.
અધિકારીઓએ રવિવારે મારૂફની ક્લર્કેંવેલના એ જ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી જ્યાંથી ૧ દિવસ પહેલા સબિતાનો મૃતદેહ મળી આવ્યો હતો.
મેટ્રોપોલિટન પોલીસની વિશેષ અપરાધ શાખાના ડિટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટર લિંડા બ્રૈડલીએ જણાવ્યું કે, ‘સબિતાના પરિવારને આ ઘટનાની જાણકારી આપી દેવાઈ છે. અમે તેમના પ્રત્યે ગાઢ સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ ખૂબ જ મુશ્કેલીભર્યા સમયમાં હું સૌ કોઈને તેમની પ્રાઈવસીનું સન્માન કરવા અપીલ કરૂં છું.’
તેમણે જણાવ્યું કે, મારૂફ અને સબિતા વચ્ચે પ્રેમ સંબંધો હતા પરંતુ મારૂફ વિદ્યાર્થી નથી. તે એક ટ્યુનિશિયન નાગરિક છે જેની કોઈ વિગતો અમારા પાસે નથી.
સબિતા લંડન વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી રહી હતી અને શુક્રવારે કથિત રીતે મારૂફ સાથે જાેવા મળી હતી. હાલ હત્યાનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું અને આ મામલે તપાસ ચાલુ છે.SSS