એક ભૂલ અને વડોદરા ક્રાઇમ બ્રાંચે હત્યારા કલ્પેશને દબોચી લીધો
વડોદરા, શહેરના જામ્બુવા વિસ્તારના ખેતર પાસે કાચા રસ્તા પર મંગળવારે રાતે એક તરફી પ્રેમમાં પાગલ યુવક કલ્પેશ ઠાકોરે ૧૯ વર્ષની તૃષા સોલંકી પર પાળિયાના ૧૦ જેટલા ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી.
આ કમકમાટીભરી હત્યામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકમાં જ હત્યારાને દબોચી લીધો હતો અને ૧૬ કલાકમાં આખો ભેદ ઉકેલ્યો હતો. મંગળવારે રાત્રે તૃષાની હત્યા કરવા માટે તેના મિત્ર દક્ષેશ સાથે બાઇક પર ગયો હતો. તેણે તૃષાને પણ તરસાલી પાસેની અવાવરું જગ્યાએ બોલાવી હતી.
હત્યા કર્યા બાદ હત્યારો કલ્પેશ ઠાકોર ત્યાંથી યુવતીનું ટુ વ્હીલર લઈને બહાર રોડ પર નિકળી હાઈવે પર મારબલના કારખાના પાસે મુકી દીધું હતું. જે બાદ તે મિત્ર દક્ષેશ સાથે રાતે બાઇક પર સાડા આઠ વાગે ઘરે જતો રહ્યો હતો. કલ્પેશ તૃષાનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરીને પોતાના ટુ વ્હિલરની સીટ નીચે મૂકી દીધો હતો. પોલીસે તપાસ કરતા તેણે વાહનની સીટ નીચેથી કાઢી આપ્યો હતો.
કલ્પેશે હત્યામાં વાપરેલું દોઢ કિલો વજનવાળું પાળિયું પણ આરોપીએ તેની ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં સંતાડી દીધું હતું. ત્યાંથી તે પણ કબજે લેવાયુ હતું. આ સાથે પોલીસે પૂછપરછ કરવા માટે મોડી રાત્રે તૃષાના ૧૨ મિત્રોને પણ ઉઠાડ્યા હતાં. જેની પુછપરછ કરતાં પોલીસને કલ્પેશ ઠાકોર અંગેની માહિતી મળી હતી. જેને આધારે પોલીસ મધરાત્રે માણેજા વિસ્તાર સ્થિત તેના ઘરે પહોંચી હતી. કલ્પેશ ઠાકોરને ઘરે જ ઝડપી લીધો હતો. સાથે તેના ઘરેથી લોહીવાળા કપડાં પણ કબજે કર્યા હતાં.
તૃષાની હત્યા કર્યા બાદ હત્યારા કલ્પેશે લોહીવાળું પાળિયું તેની ઓઢણીથી સાફ કર્યું હતું. કલ્પેશે પોતાનો મોબાઇલ ફોન ચાલુ રાખ્યો હતો. જેથી પોલીસને તેનું લોકેશન ટ્રેસ કરવામાં સરળતા પડી હતી. કલ્પેશે હત્યા કર્યા બાદ ઘેર આવી લોહીવાળા કપડાં ધોયા હતા અને પાળિયું દુકાનમાં છુપાવી દીધું હતું. તૃષા પીએસઆઇ બનવા માંગતી હતી. તૃષાએ ભરૃચ ખાતે યોજાયેલી શારીરિક પરીક્ષામાં પાસ થઇ હતી.
તે આગામી ૧૦મી એપ્રિલે યોજાનારી લેખિત પરીક્ષાની તૈયારી માટે ખાનગી ક્લાસ કરવા વડોદરામાં બે મહિના પહેલાં જ મામાને ત્યાં આવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે તૃષાના પોસ્ટમોર્ટમ દરમિયાન આવેલા તેના માતા-પિતાની હાલત જાેઇ શકાય તેમ ન હતી.
તેમનું આક્રંદ કંપાવી મૂકે તેવું હતું. તૃષાના પિતા રાજેન્દ્રસિંહ સોલંકીએ વાતચીતમાં જણાવ્યુ હતું કે, મારી દીકરીના હત્યારાને ફાંસીની સજા થવી જાેઇએ. જેથી આવો બનાવ ફરી ના બને. જ્યારે તેની માતાએ કહ્યું હતું કે, આ મારી દીકરી નહીં પણ દીકરો હતી. પીએસઆઇ બનીને સમાજ સેવા કરવાની અને ક્ષત્રિય સમાજ માટે ગૌરવ વધારવાની તેની ઇચ્છા હતી. આરોપીને ફાંસી થવી જાેઇએ નહીં તો તેનું એનકાઉન્ટર કરી દો.SSS