કાશ્મીર મુદ્દે નિવેદન આપ્યા બાદ ચીનના વિદેશ મંત્રી વાંગ યી દિલ્હી પહોંચ્યા

નવીદિલ્હી, કાશ્મીર મુદ્દે નિવેદન આપ્યા બાદ ચીનના વિદેશ મંત્રી વાંગ યી ગુરૂવારે મોડી સાંજે દિલ્હી પહોંચ્યા હતા. તેઓ ભારતના અનેક મંત્રીઓની મુલાકાત લેવાના છે. આજે એટલે કે શુક્રવારે તેઓ વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળવાના છે. ચીનના વિદેશ મંત્રી એવા સમયે ભારતના પ્રવાસે આવ્યા છે જ્યારે તેમના કાશ્મીર અંગેના નિવેદનને લઈ વિવાદ ચાલી રહ્યો છે.
હકીકતે થોડા દિવસ પહેલા ઈસ્લામિક દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાકિસ્તાને જાેર-શોરથી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. બેઠકમાં સામેલ ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કાશ્મીર મુદ્દે કહ્યું હતું કે, ‘કાશ્મીર મુદ્દે આજે ફરી અમે અનેક ઈસ્લામિક દોસ્તોની વાતો સાંભળી. આ મુદ્દે ચીનની પણ આ જ આશાઓ છે.’
ચીની વિદેશ મંત્રીના કાશ્મીર મુદ્દેના આ નિવેદન બાદ ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ઓઆઇસીના ઉદ્ઘાટન સમારંભમાં પોતાના ભાષણ દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારત માટે જે સંદર્ભ આપ્યો તે બિનજરૂરી હતો અને અમે તેને ફગાવી દઈએ છીએ.
બાગચીએ ટિ્વટમાં લખ્યું હતું કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરનો મુદ્દો સંપૂર્ણપણે ભારતનો આંતરિક મુદ્દો છે. ચીન સહિતના અન્ય દેશોને આ અંગે ટિપ્પણી કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમણે ધ્યાન આપવું જાેઈએ કે, ભારત પણ તે દેશોના આંતરિક મુદ્દાઓ અંગે સાર્વજનિક ટિપ્પણી કરવાનું ટાળે છે.
કોરોના મહામારી અને ગાલવાન ઘાટીમાં થયેલા સંઘર્ષ બાદ ચીનના કોઈ અધિકારીનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. વાંગ યી પોતાની ૩ દિવસીય પાકિસ્તાન યાત્રા બાદ અફઘાનિસ્તાનના કાબુલ પહોંચ્યા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બાદ ચીનના વિદેશ મંત્રી ભારત પહોંચ્યા છે.HS