AMTSનો અમૃત મહોત્સવ: દેવા કરી અધિકારીઓને લેપટોપ અપાશે
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની આર્થિક સહાય પર નિર્ભર એએમટીએસના અધિકારીઓ પ્રજાના રૂપિયા ઉડાવવામાં લેશમાત્ર પાછીપાની કરતા નથી તથા મ્યુનિ.કોર્પાેરેશનના અધિકારીઓની માફક તમામ સુવિધા-સવલતો ભોગવી રહ્યા છે. સુવિધા બાકી રહી હોવાથી તેનો પણ ઉમેરો કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ૧૯૨ કાઉન્સીલરો અને ૬૦ જેટલા ઉચ્ચ અધિકારીઓને અંદાજે રૂા.૭૦ હજારની કિંમતના લેપટોપ વિનામૂલ્યે આપવામાં આવ્યા છે. મ્યુનિ.અધિકારીઓને સુવિધા મળે તો એએમટીએસના અધિકારીનો શો વાંક ? તેથી મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસના બે ડે.ટ્રા.સ.મેનેજરને પણ લેપટોપ આપવામાટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.
ટ્રાન્સપોર્ટ કમીટીની લીલીઝંડી મળ્યા બાદ આ બે મહાનુભાવોને પ્રજાના ટેક્ષના રૂપિયામાંથી કિંમતી લેપટોપ “વિનામૂલ્યે” આપવામાં આવશે. એ બાબત સર્વવિવાદિત છે કે એએમટીએસને દૈનિક રૂા. એક કરોડની ખોટ થઈ રહી છે. જેના માટે એએમસી દૈનીક રૂા.એક કરોડની મદદ કરે છે.
એએમટીએસને પગાર-પેન્શનના પણ ફાંફા પડી રહ્યા છે તેમ છતાં લાજ-શરમ નેવે મૂકીને અધિકારીઓ લેપટોપ માટે માંગણી કરી રહ્યા છે. આ બાબત ચર્ચનો વિકલ્પ બની છે.