Western Times News

Gujarati News

પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામ સભા યોજાઇ

ગોધરા: ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧નો સર્વગ્રાહી ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન (GPDP) તૈયાર કરવા માટે ગ્રામ સભા બોલાવવા આપવામાં આવેલી સૂચનાનુસાર પંચમહાલ જિલ્લામાં ગ્રામ સભાઓ યોજાઇ રહી છે. જે અંતર્ગત જિલ્લાના જાંબુઘોડા તાલુકાના ડુમા ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહની ઉપસ્થિતિમાં ગ્રામ સભા યોજાઇ હતી.

આ ગ્રામ સભામાં,  ગામના સર્વાંગી વિકાસ હેતુ વિવિધ વિકાસ કાર્યોનું આયોજન કરવા સાથે ગ્રામજનોને વ્યક્તિલક્ષી અને સામુહિક યોજનાઓની માહિતી પુરી પાડવામાં આવી હતી. ગામમાં સામાજિક સંવાદિતા, કાયદો વ્યવસ્થા જળવાઇ રહે, લોક સમસ્યાઓના હકારાત્મક નિવારણ, માનવ સૂચકાંક અંગે ગામના સહયોગની સમીક્ષા તેમજ રાજ્ય સરકારના ફ્લેગશીપ કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહે, ગામની સ્વચ્છતા અને સિંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશને સદંતર બંધ કરવા સાથે કુપોષણ અંગે વિસ્તૃત સમજ આપી. તેમણે ગામના કુપોષિત જોડિયા બાળકોને જાંબુઘોડા ખાતેના CMTC સેન્ટરમાં સારવાર માટે દાખલ કરાવ્યાં હતા.

આ બંને કુપોષિત જોડિયા બાળકો, મયુર અને મોહિતન બે વર્ષની ઉંમરના છે. અગાઉ તેમના માતા-પિતાને, ગામની આશા બહેન અને ફીમેલ હેલ્થ વર્કર દ્વારા આ બાળકોને CMTC સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવા સમજાવ્યાં હતાં. પરંતુ બાળકના પિતા રણજીતભાઇ નાયક અને તેમના પત્નીએ બાળકોને દાખલ કરાવ્યાં નહિ. જેથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી શાહે આ અંગે અંગત રસ લઇ આ બંને જોડિયા બાળકોના માતા-પિતાને સમજૂત કર્યાં હતાં અને આનુષાંગિક વ્યવસ્થાઓ કરી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.