પરીક્ષા આપવા માટે જાય એ પહેલાં જ વિદ્યાર્થી ઢળી પડ્યો

નવસારી, હાલ ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે નવસારીમાં પરીક્ષા આપવા જાય એ પહેલા જ એક વિદ્યાર્થી ઢળી પડ્યો હતો અને હોસ્પિટલ ખસેડાતા તેને મૃત જાહેર કરાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ ૧૨ કોમર્સનો વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય તે પહેલા તેને અચાનક જ છાતીમાં દુખાવો થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જાેકે, સારવિાર દરમિયાન વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતા જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણાધિકારી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પણ બોર્ડની પરીક્ષાના પહેલા દિવસે જ એક વિદ્યાર્થીને ખેંચ આવતા મોતને ભેટ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આશાનગરમાં રહેતો ઉત્સવ નામનો વિદ્યાર્થી શહેરની વિદ્યાકૂંજ સ્કૂલમાં ધોરણ ૧૨ કોમર્સમાં અભ્યાસ કરતો હતો. મંગળવારે તે એકાઉન્ટનું પેપર આપવા ઉત્સવ કોલેજમાં જવાનો હતો.
જાેકે, પરીક્ષા પહેલા જ તેને બપોરે ૧ વાગ્યે છાતીમાં દુખાવો થતાં પરિવારને જાણ કરવામાં આવી હતી. જેથી ઉત્સવને તાત્કાલિક રેલવે સ્ટેશન નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતા નવસારી જિલ્લા ઈન્ચાર્જ શિક્ષણાધિકારી રાજેશ્રી ટંડેલ અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. અધિકારીઓએ ઘટનાની માહિતી મેળવી પરિવારજનોને સાંત્વના આપી હતી.
ઉત્સવનું મૃત્યુ થતાં મોડી સાંજે તેની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સમાજના અગ્રણીઓ, મિત્રો સહિત મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર પરિવારે એકના એક દીકરાના ચક્ષુઓનું દાન પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતો અમન આરીફ શેખ ધોરણ ૧૨ કોમર્સમાં અભ્યાસ કરતો હતો અને ગોમતીપુરની એસ.જી. પટેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. બોર્ડની પરીક્ષા માટે તેનો નંબર રખિયાલની શેઠ સી.એલ. હાઈસ્કૂલમાં આવ્યો હતો. પરીક્ષાના પહેલા દિવસે એકાઉન્ટના પેપર માટે અમાન શાળાએ પહોંચ્યો હતો.
પેપર શરૂ થયા બાદ અમનને ઉલટી થઈ હતી અને પરસેવો શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો અને ત્યાં તેનું મોત નીપજ્યું હતું.SSS