Western Times News

Gujarati News

વી.એસ.કેમ્પસમાં ૧૮૦ કરોડના ખર્ચથી નવી હોસ્પિટલ બનાવવામાં આવશે

૩૭૮ બેડ અને ર૦ આઈ.સી.યુ. બેડ ઉપલબ્ધ થશે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી ૧૯૩૧ની સાલમાં કાર્યરત થયેલ શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને મ્યુનિ. સતાધારી પાર્ટીએ માત્ર એક ઠરાવ કરીને ર૦૧૩ના વર્ષમાં નામશેષ કરી હતી તથા વી.એસ.હોસ્પિટલને તેના મુળ માળખામાં એટલે કે ૧ર૦ બેડકમાં પરિવર્તીત કરી હતી પરંતુ ટ્રસ્ટીઓ તથા વિપક્ષની લાંબી લડતના પગલે ફરી એક વખત વી.એસ.હોસ્પિટલ ધમધમતી થઈ રહી છે તથા હોસ્પિટલના મુળ કેમ્પસમાં જ સાત માળની હોસ્પિટલ શરૂ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

શહેરના ગરીબ અને મધ્યમવર્ગના નાગરીકોને શ્રેષ્ઠ અને સસ્તી સારવાર મળી રહે તે આશયથી શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને નવા રૂપરંગ સાથે શરૂ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

હોસ્પિટલ કેમ્પસમાં જર્જરીત થયેલા બિલ્ડીંગને તોડી તે જ સ્થળે પાંચ હજાર ચો.મી. જમીનમાં રૂા.૧૮૦ કરોડના ખર્ચથી નવી બિલ્ડીંગ બનાવવામાં આવશે. નવા બિલ્ડીંગમાં સી.ઓ.પી. અને પાર્કીંગ માટે ર૦ હજાર ચો.મીટર જમીન સાબરમતી રીવરફ્રન્ટ લીમીટેડ દ્વારા ફાળવવામાં આવી છે નવા બિલ્ડીંગમાં બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર સહીત સાત માળ સુધી અંદાજે ૪પ હજાર ચોરસ મીટરનું બાંધકામ કરવામાં આવશે.

શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલના નવા બિલ્ડીંગમાં જુદા જુદા મેડીકલ વિભાગોના ૩૭૮ અને ર૦ જેટલા આઈ.સી.યુ બેડ ઉપલબ્ધ થશે નવા બિલ્ડીંગમાં ૦૮ ઓપરેશન થીયેટર, રેડીયોલોજી વિભાગ, સુપર સ્પેશ્યાલીટી વિભાગોની ઓ.પીડી., પેથોલોજી, બાયો કેમેસ્ટ્રી અને માઈક્રોબાયોલોજી લેબોરેટરી પણ બનાવવામાં આવશે.

શેઠ વાડીલાલ હોસ્પીટલ કેમ્પસમાં તૈયાર થનાર સાત માળના હોસ્પીટલ સંકુલ માટે રૂા.૧૮૦ કરોડનો ખર્ચ થશે. મ્યુનિ. કોર્પોરેશને નાણાકીય વર્ષ ર૦ર૧-રરમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી યોજનાની ગ્રાન્ટમાંથી રૂા.૧ર૦ કરોડની ફાળવણી કરી છે. હોસ્પિટલનું બાંધકામ પૂર્ણ થવા માટે બે વર્ષનો સમય થશે તેથી બાકી રૂા.૬૦ કરોડની જાેગવાઈ ર૦રર-ર૩માં થઈ શકે છે.

અત્રે નોંધનીય છે કે રાજય સરકારની ગ્રાન્ટમાંથી કાર્યરત થયેલ એસવીપી હોસ્પિટલને ચલાવવા માટે વી.એસ.ને નામશેષ કરવામાં આવી હોવાના પણ આક્ષેપો થયા હતા.

ર૦૧ર-૧૩માં સતાધારી પાર્ટી એ માત્ર ૧ર૦ બેડથી હોસ્પિટલ ચલાવવા ઠરાવ કર્યો હતો તથા ર૦૧૮માં વી.એસ.માંથી સ્ટાફ, સાધનો કે તબીબી ઓજારો વગેરે એસવીપીમાં લઈ જવામાં નહીં આવે તેવો ઠરાવ પણ તત્કાલીન મ્યુનિ. કમિશ્નરે કર્યો હતો. મ્યુનિ. શાસકો દ્વારા કરવામાં આવેલા ઠરાવ સામે ટ્રસ્ટીઓએ કાયદાકીય લડત આપી હતી તથા પ૦૦ બેડથી હોસ્પિટલ ચલાવવા સમંતિ થઈ હતી.

જયારે ર૦૧૮ના ઠરાવનો વિપરીત અમલ કરવામાં આવ્યો હતો, તેમજ વી.એસ.ના તબીબો સહીત અનેક જરૂરી સાધનો એસવીપીમાં લઈ જવામાં આવ્યા હતા સાથે સાથે મેડીકલ કોલેજને પણ એસવીપીમાં સામેલ કરવામાં આવી છે જેના કારણે હાલ વી.એસ.ની પરિસ્થિતિ તમામ દૃષ્ટિએ દયનીય બની ગઈ છે. કોરોના કાળમાં દર્દીઓને દાખલ કરવામાં થયેલ હાલાકી બાદ કોઈનો અંતરાત્મા જાગી ગયો હશે. જેના પરીણામ સ્વરૂપ ગરીબ-મધ્યમવર્ગના નાગરીકો માટે વી.એસ.ને ફરીથી દાયકા અગાઉના માળખામાં પરીવર્તીત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.