Western Times News

Gujarati News

પંચેશ્વર મંદિરમાં ચૈત્રી નવરાત્રીમાં રામચરિત માનસ નવ્હાન પારાયણનું આયોજન

(પ્રતિનિધિ) ગાંધીનગર, સમગ્ર ગાંધીનગરમાં સૌ પ્રથમ વખત આગામી ચૈત્રી નવરાત્રીમાં રાયસણ ખાતે આવેલ સુવિખ્યાત પંચેશ્વર મંદિરમાં ભક્તો દ્વારા સામુહિક રીતે તુલસીકૃત શ્રી રામચરિત માનસનું સમૂહ ગાન ધ્વારા નવ્હાન પારાયણનું
આયોજન કરવામાં આવ્યું છે.

પંચેશ્વર મંદિર , રાયસણ ખાતે આગામી ૨ એપ્રિલે ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતાના દિવસે ઘટસ્થાપન અને અખંડ દીવો પ્રગટાવી નવરાત્રી મહોત્સવનો શુભારંભ થશે.

મોટી સંખ્યામાં ભાઇ બહેન ભક્તો નવરાત્રીના નવે નવ દિવસ દરમિયાન દરરોજ બપોરના ૩ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી તુલસીકૃત રામચરિત માનસની ચોપાઈઓનું સમૂહમાં ગાન કરશે અને અંતમાં રામાયણજીની આરતી કરશે. મંદિરના પૂજારીજી અશોકભાઇની નિશ્રામાં યોજાનાર આ નવ્હાન પારાયણનું સમાપન ૧૦ એપ્રિલે રામનવમીના દિવસે થશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે રાયસણ , રાંગેસણ, કુડાસણ અને કોબા સહિતના નવ વિકસિત વિસ્તારમાં પ્રચલિત એવા રાયસણના પંચેશ્વર મંદિરે આખાયે પંથકમાં અને ગાંધીનગરમાં આકર્ષણ ઊભું કર્યું છે. મંદિરમાં આધ્યાત્મિક ગ્રંથો અને સાહિત્યથી સમૃદ્ધ વાંચનાલય પણ ઊભું કરવામાં આવ્યું છે

જ્યાં દરરોજ મોટી સંખ્યામાં સિનિયર સિટિજન તેનો મહત્તમ લાભ લઇ જીવન સંધ્યાને ઉજાગર કરી રહ્યા છે. મંદિરની વ્યવસ્થા કમિટિ અને દાતાઓના ઉદાર સહયોગથી
મહિનામાં એક વખત સિનિયર સિટિજન માટે આધ્યાત્મિક યાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.