પાટણ: સગાભાઈ-ભત્રીજીની હત્યા કરનાર બહેનને આજીવન કેદની સજા
વર્ષ 2019માં પાટણ જિલ્લામાં ડેન્ટીસ્ટ બહેને પોતાના જ સગાભાઈ અને માસૂમ ભત્રીજીની કરેલી હત્યા મામલે કોર્ટે આરોપી બહેનને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે.
પરિવારમાં માનમોભો ન જળવાતો હોય આરોપી બહેને તેના સગભાઈને ધતુરાનું પાણી આપી માનસિક અસ્થિર કર્યો હતો અને બાદમાં કેપ્સૂલમાં સાઈનાઈડ આપી ઠંડા કલેજે હત્યા નિપજાવી હતી. ભાઈની હત્યા કર્યાના પંદર દિવસ બાદ 14 માસની માસૂમ ભત્રીજીને પણ સાઈનાઈડ આપી હત્યા નિપજાવી હતી.
પાટણની એડિશનલ કોર્ટએ આરોપી કિન્નરીને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે. કોર્ટના ચુકાદાને મૃતકના પરિવારજનોએ યોગ્ય ઠેરવ્યો છે. જોકે, કિન્નરીના વકીલ હાઇકોર્ટમાં અરજી દાખલ કરશે.
આ અંગે સરકારી વકીલ બી.એમ. પડ્યાએ જણાવ્યું હતું કે, ભાઇ અને ભત્રીજીની હત્યા કરનાર બહેનને પાટણની એડિશનલ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. આ ચુકાદામાં આરોપીને આજીવન કેદની સજા પણ એવી કે તે જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેશે.