Western Times News

Gujarati News

આરોગ્યમંત્રીએ 13 ફૂડ ટેસ્ટિંગ ઓન વ્હીલ વાનને લીલી ઝંડી આપી

ગાંધીનગર, રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે 13 નવીન ફુડ ટેસ્ટિંગ ઓન વ્હીલને લીલી ઝંડી આપી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્યના દરેક જિલ્લામાં સેફ્ટી ઓન વ્હીલ કાર્યરત કરાવવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે.

તેમણે વધુમાં કહ્યું, નાગરીકોને અશુદ્ધ અને ભેળસેળવાળો ખાદ્ય પદાર્થ ન લેવો પડે તે માટે આ મોબાઈલ વાન વિવિધ જિલ્લાઓમાં કાર્યરત કરાવવામાં આવશે. નાગરિકો સામેથી ટેસ્ટિંગ માટે ખાદ્ય પદાર્થ લઈને આવશે તો તેનું વિનામુલ્યે પણ ટેસ્ટિંગ કરી આપવામાં આવશે. જો નમુનો ભેળસેળયુક્ત પુરવાર થશે તો સામેથી સેમ્પલ લઈને તેની સામે કાયદાકીય રીતે કડક પગલા લેવાશે.

તેમણે ઉમેર્યુ કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની દરકાર કરીને 2013 માં બે ફુડ સેફ્ટી વાન કાર્યરત કરાવવામાં આવી હતી.

અદ્યતન ટેક્નોલોજી ધરાવતા કોમ્પ્યુટરાઈઝડ સાધનો દ્વારા ખાદ્યચીજોની ચકાસણી માટે રાજ્ય સરકાર દ્વારા કરાયેલ શ્રેષ્ઠ કામગીરીને પરીણામે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ગુજરાતને નવીન ૧૩ મોબાઈલ વાન વિનામુલ્યે પૂરી પાડવામાં આવી છે.

જેનું રાજ્યભરમાં પરિભ્રમણ કરાવીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સંદર્ભે જનજાગૃતિ કેળવાશે. આ વાનનો તમામ આનુષાંગિક ખર્ચ પણ કેન્દ્ર સરકાર દ્વારા પૂરો પાડવામાં આવશે.

આરોગ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આ મોબાઈલ વાન અદ્યતન ટેક્નોલોજીયુક્ત સાધનોથી સુસજ્જ છે. આ સાધનો દ્વારા સ્થળ પર જ નમુનાનું પરીક્ષણ થઈ શકે તે માટે મિલ્ક ટેસ્ટિંગ મશીન દ્વારા ટેસ્ટિંગ કરી દૂધમાં ફેટ, એસ.એન.એફ., પ્રોટીન તથા એમોનિયમ સલ્ફેટ, સુક્રોઝ, વોટર મોલ્ટોડ્રેક્સ્ટ્રીન, યુરીયા જેવા કેમિકલ્સ શોધી શકાશે.

ઉપરાંત ખાદ્યતેલ કે જેમાં વારંવાર ખાદ્યચીજો તળવામાં આવે તો તે તેલ ઝેરી બની જાય છે. આવા ઝેરી તેલને ચકાસવા માટેનું મશીન પણ આ વાનમાં છે. જેનાથી ફરસાણની દુકાનો પર જઈને તેલની ચકાસણી કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.