Western Times News

Gujarati News

ભારત-પાક.ની મેચમાં રીશી આરોઠેએ રાજકોટમાં ફેક ટિકિટ વેચ્યાનો ઘટસ્ફોટ

પૂર્વ રણજી ક્રિકેટરે સાળંગપુર મંદિરના દાનની રકમ પણ ચાંઉ કરી હતી

બેંગ્લોરમાં કોચિંગના નામે ૫.૨૭ લાખ પડાવવાના મામલામાં ક્રિકેટરની ધરપકડ કરી રાવપુરા પોલીસ મથકને સોંપ્યો

રાજકોટ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તથા પૂર્વ ક્રિકેટર એવા તુષાર આરોઠેના નિવાસસ્થાનેથી રૂપિયા ૧.૩૯ કરોડ રોકડા મળી આવ્યાની બનેલી ઘટના બાદ તેના મહાઠગ દિકરા રીશી આરોઠેના કરતૂતો બહાર આવતા પુનઃ નાસતો ફરતો હતો. વડોદરા પોલીસે તેને ગોવાની એક હોટલમાંથી પકડી પાડ્યો છે. તેની પ્રાથમિક પૂછપરછ કરતાં તેણે ભારત – પાકિસ્તાનની મેચ ટાણે રૂપિયા ૨૧ લાખની ફેક ટિકિટો રાજકોટના ક્રિકેટ રસીયાને વેચી હોવાનું બહાર આવ્યુ છે.

આ ઉપરાંત ૧.૩૯ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા, તે સારંગપુર મંદીરના સીએને ઝાંસામાં લઇને તેની સાથે કરેલી છેતરપિંડીની રકમ હોવાનું પણ જાણવા મળ્યુ છે. આ ઉપરાંત વલસાડમાં પણ ક્રિકેટ રમાડવાના બહાને રૂપિયા ૭૫ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવતાં પોલીસે તેની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી દીધી છે. વડોદરાના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વિવેક પટેલના જણાવ્યા અનુસાર ૧.૩૯ કરોડ રોકડાના મામલામાં અગાઉ પૂર્વ રણજી ક્રિકેટર રીશી આરોઠેના પિતા તુષાર આરોઠે સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન રીશી આરોઠેની વિરૂદ્ધમાં વડોદરાના રાવપુરા, માંજલપુર તથા વલસાડમાં અલગ અલગ છેતરપિંડીના કેસ થયા હતા. વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન તથા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના કેસમાં વોન્ટેડ રીષી આરોઠેને શોધવા માટે બેંગ્લોર તથા ગોવા ખાતે ટીમ મોકલવામાં આવી હતી. તપાસ દરમિયાન ગોવાની એક હોટલમાંથી તેની ધરપકડ કરાઈ હતી. વડોદરાના માંજલપૂર પોલીસ સ્ટેશનના કિસ્સામાંથી જામીન પર છૂટ્યા બાદ રીશી આરોઠે ચપળતાથી નાસી છૂટ્યો હતો.

વડોદરાથી બેંગ્લોર, ઔરંગાબાદ, ભાપાલ બાદ તેણે ગોવામાં આશ્રય લીધા હતા. ગોવામાં ઇવેન્ટ કંપનીનું કામ કરતો હોવાનું રીશીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યુ હતુ. તેને પકડીને વડોદરા લાવવામાં આવ્યો હતો. જ્યાં રાવપુરા પોલીસ મથકને સુપરત કરવામાં આવ્યો હતો. રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ‘બેંગ્લોરમાં બોલીગ કોચીંગનો કેમ્પ લાગેલ છે, જેમાં આઇપીએલમાં રમતા ખેલાડીઓના કોચ પણ ટ્રેનીંગ આપવા માટે આવવાની છે, જેમાં તારૂ પરર્ફોમન્સ સારૂ હશે તો આઇપીએલમાં રમવાની તક મળી શકે તેમ છે.’

આ પ્રકારની લાલચ આપીને રૂપિયા ૫.૨૭ લાખની છેતરપિંડી કરી હતી. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે રહેતા મહેન્દ્રકુમાર સનીલાલ બુટ ચંપલનો વેપાર કરતાં વેપારીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રીશી આરોઠેના ૧.૩૯ કરોડ રોકડા મળી આવ્યા બાદ તેના થકી છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને અપીલ કરી હતી.

આ દરમિયાન રાજકોટ તથા વલસાડમાં તેના કરતૂતોનો ભોગ બનેલાઓએ અરજી કરી છે. જેમાં રાજકોટ ખાતે તો ૨૧ લાખની ફેક ટિકિટનું વિતરણ કર્યુ છે. આ ઉપરાંત વલસાડમાં પણ તેણે ક્રિકેટ રમાડવાના બહાને રૂપિયા ૭૫ લાખની છેતરપિંડી કરી છે. કોઇ ક્રિકેટરની સાથે મેળાપીપણામાં સટ્ટો રમતો હતો કે કેમ? તે મામલે પોલીસે તેની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.