Western Times News

Gujarati News

લોકો કહેતા રહ્યા કે એ હવે ફિલ્મમાં નહીં દેખાય : ગોવિંદા

ગોંવિંદા પોતે પ્રોડ્યુસ કરેલી ફિલ્મથી કમબૅક કરશે

૧૯૯૦ના દાયકામાં બોલિવૂડના સૌથી લોકપ્રિય સુપરસ્ટારોમાં સ્થાન મેળવનાર ગોવિંદા છેલ્લા કેટલાક વર્ષાેથી ફિલ્મોથી દૂર રહ્યો 

મુંબઈ,બોલિવૂડનો ચોકલેટી હિરો ગોવિંદા લાંબા વિરામ બાદ ફરી એકવાર મોટા પડદા પર વાપસી કરવા તૈયાર છે. ગોવિંદાએ તાજેતરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પોતાની નવી ફિલ્મ ‘રૂપા’ની સત્તાવાર જાહેરાત કરી છે. આ પ્રસંગે તેણે ફિલ્મનું પ્રથમ પોસ્ટર લોન્ચ કર્યું છે, નવી એક્ટ્રેસ રાની સ્વરાંકરને ફિલ્મની લીડ એક્ટ્રેસ તરીકે રજૂ કરી અને સાથે જ જાહેર કર્યું કે તે આ ફિલ્મ પ્રોડ્યુસ પણ કરે છે. ૧૯૯૦ના દાયકામાં બોલિવૂડના સૌથી લોકપ્રિય સુપરસ્ટારોમાં સ્થાન મેળવનાર ગોવિંદા છેલ્લા કેટલાક વર્ષાેથી ફિલ્મોથી દૂર રહ્યો છે. તેની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર અપેક્ષિત સફળતા મેળવી શકી નહોતી.

જોકે, ‘રૂપા’ સાથે તેનામાં નવી શરૂઆત કરવા માટે આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.પોતાના સંઘર્ષ અને વાપસી અંગે વાત કરતાં ગોવિંદાએ કહ્યું, “કદાચ મારા નસીબમાં જ વારંવાર મને એક બાજુ કરી દેવાનું જ લખાયું હતું. લોકો કહેતા હતા કે હવે હું ફિલ્મોમાં નહીં દેખાઉં, પરંતુ મેં હંમેશા ફરીથી નવી શરૂઆત કરી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ ફિલ્મ મારી કલ્પના કરતાં પણ મોટી સફળતા મેળવે અને લોકો પર પોતાનો જાદુ ચલાવે.” ગોવિંદાએ જણાવ્યું કે ‘રૂપા’ ખાસ કરીને યુવા દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેણે કહ્યું, “આ ફિલ્મ ખાસ યુવાનો માટે છે. જ્યારે તેઓ આ ફિલ્મ થિએટર્સમાં જોશે ત્યારે તેમને પોતાના સપનાઓ પર વિશ્વાસ રાખવાની અને તેને સાકાર કરવા માટે પ્રેરણા મળશે.

તેનાથી વધુ હું આધ્યાત્મિકતા વિશે કંઈ કહેવા માંગતો નથી.”પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોવિંદાએ પોતાના જીવનમાં ન્યુમરોલોજીના મહત્વ વિશે પણ વાત કરી, “૧૪ નંબર હંમેશા મારા માટે લકી રહ્યો છે. હું ન્યુમરોલોજીમાં વિશ્વાસ રાખું છું અને મારું નામ પણ તેના આધારે રાખવામાં આવ્યું છે. જ્યારે હું માત્ર ૧૪ વર્ષનો હતો ત્યારે મેં તેમાં વિશ્વાસ કરવાનું શરૂ કર્યું હતું. ભગવાનની કૃપાથી મેં એક જ અઠવાડિયામાં ૧૪ ફિલ્મો સાઇન કરી હતી, જેના કારણે મને ૧૪ વર્ષ સુધી સુપરસ્ટાર તરીકેનો સમય મળ્યો.

ત્યારબાદ હું ૧૪મી લોકસભાનો સભ્ય બન્યો. પછી જીવનમાં ૧૪ વર્ષનો સંઘર્ષ આવ્યો. હવે મેં નક્કી કર્યું કે વધુ પાંચ વર્ષ રાહ નહીં જોઉં અને ફરીથી નવી શરૂઆત કરું. મને આશા છે કે આ મારી નવી ઇનિંગ્સની શરૂઆત સાબિત થશે.” ‘રૂપા’ દ્વારા ગોવિંદા પોતાના કારકિર્દીના પડકારજનક સમયને પાછળ છોડીને ફરી એકવાર દર્શકો સાથે જોડાવા માંગે છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.