Western Times News

Gujarati News

ઇતિહાસમાં પ્રથમ વખત : રથયાત્રામાં ફરશે ‘કાનૂની જાગૃતિ રથ’

‘ન્યાય સૌના દ્વારે’ સૂત્રને સાર્થક કરવાનો પ્રયાસ

સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ દેશવ્યાપી આયોજિત થનારા ‘સમાધાન સમારોહ–૨૦૨૬’ અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવશે

અમદાવાદ,ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૯મી પવિત્ર રથયાત્રા નિમિત્તે અમદાવાદમાં ઇતિહાસમાં પ્રથમ વખત એક અનોખા જનજાગૃતિ અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે. આગામી તારીખ ૧૬ જુલાઈને ગુરુવારે યોજાનારી રથયાત્રા દરમિયાન કાનૂની જાગૃતિ રથ દ્વારા લાખો શ્રદ્ધાળુઓ સુધી કાયદાકીય શિક્ષણ અને અધિકારોની માહિતી પહોંચાડવામાં આવશે. નોંધનીય છે કે, હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિના માર્ગદર્શન હેઠળ વિશેષ રથ તૈયાર કરાયો છે. જેમાં ધાર્મિક મહોત્સવના માધ્યમથી ‘ન્યાય સૌના દ્વારે’ સૂત્રને સાર્થક કરવાનો પ્રયાસ કરાયો છે.

ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના
કાર્યકારી અધ્યક્ષ અને વરિષ્ઠ ન્યાયમૂર્તિ એ.વાય કોગ્જેના માર્ગદર્શન હેઠળ રથયાત્રામાં કાનૂની રથથી જાગૃત્તા માટે ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સભ્ય સચિવ એચ. એમ. પવારના પ્રેરણાત્મક માર્ગદર્શનથી, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા આ રથ તૈયાર કરાયો છે. આ વિશેષ કાર્યક્રમનું સમગ્ર આયોજન પ્રિન્સિપલ જિલ્લા અને સત્ર ન્યાયાધીશ તથા ચેરમેન કમલ એમ. સોજીત્રાના માર્ગદર્શન હેઠળ કરાયું છે.

તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પૂર્ણકાલીન સચિવ એમ. આર. પટેલ અને ચીફ મેટ્રોપોલિટન કોર્ટ કમિટીના સચિવ કે. પી. પાચોડે દ્વારા આ માટે વિશેષ સંકલન કરવામાં આવ્યું છે. આ કાનૂની જાગૃતિ રથનો મુખ્ય હેતુ રથયાત્રાના વિશાળ જનમેદની વચ્ચે નાગરિકોને નિઃશુલ્ક કાનૂની સહાય, બંધારણીય અધિકારો અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વ્યાપક માહિતી આપવાનો છે. આ રથયાત્રા દરમિયાન રથમાં પેરા લીગલ વોલન્ટિયર્સ પણ હાજર રહેશે.

તેઓ સમાજના નબળા અને વંચિત વર્ગાે, મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો, શ્રમિકો, અકસ્માત પીડિતો અને અંડરટ્રાયલ કેદીઓ માટેની સરકારીની યોજનાઓ વિશે સમજણ આપશે અને માહિતીપત્રકોનું વિતરણ કરશે. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ દેશવ્યાપી આયોજિત થનારા ‘સમાધાન સમારોહ–૨૦૨૬’ અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવશે. આગામી તા. ૨૧, ૨૨ અને ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન યોજાનારા આ વિશેષ સમારોહમાં નાગરિકો પોતાના યોગ્ય કેસોનું લોક અદાલત દ્વારા ઝડપી, સરળ અને ખર્ચમુક્ત સમાધાન કરાવી શકે તે માટે વ્યાપક પ્રચાર-પ્રસાર કરાશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.