બે અઠવાડિયામાં ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સામાન્ય લોકોને દઝાડી રહ્યા છે. છેલ્લાં ૧૫ દિવસમાં ૧૩મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લગભગ ૯.૨૦ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. વધેલી કિંમતો મંગળવારે સવારે ૬ વાગ્યાથી લાગુ થશે.
ઇંધણના સતત વધતા ભાવથી પ્રજા પરેશાન થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પેટ્રોલમાં લીટરે ૭૯ પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલમાં લીટરે ૮૩ પૈસાનો વધારો થયો છે. આ સાથે જ પેટ્રોલનો ભાવ ૧૦૪.૨૮ પ્રતિ લીટરે પહોંચ્યો છે, જ્યારે ડીઝલનો ભાવ ૯૮.૬૦ પ્રતિલીટરે પહોંચ્યો છે. મોંઘવારી ના માર નીચે મધ્યમવર્ગ મરી રહ્યો છે, પરંતુ તેની કોઈને ફરક પડતો નથી.
તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલ, બન્નેમાં ૮૦ પૈસા પ્રતિ લીટરના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. છેલ્લાં ૧૫ દિવસોની અંદર આ ૧૩મી વખત ભાવ વઘારો ઝીંકાયો છે. આ વધારા સાથે અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૯.૨૦ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત ૧૦૪.૬૧ રૂપિયા થશે, જ્યારે ડીઝલની કિંમત ૯૫.૮૭ રૂપિયા પ્રતિ લીટર થશે.
ભૂતકાળમાં સીએનજીના ભાવમાં પણ કિલો દીઠ ૮૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ દિલ્હીમાં સીએનજીની નવી કિંમત ૬૧.૬૧ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. સીએનજીના ભાવમાં પણ એક સપ્તાહમાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો છે. એક સપ્તાહમાં તે ૨.૪૦ રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે.HS