ઘર આંગણે જ રોજગારીની વ્યાપક તકો ઉપલબ્ધ થશે
ઇઝ ઓફ ડુઇંગ ક્ષેત્રે રાજ્ય સરકારનું પગલુંઃ લોજીસ્ટિક, આઈટી અને આઈટી એનેબલ્ડ સર્વિસીસ, માઇનિંગ સેક્ટરને બોનાફાઇડ ઉદ્યોગનો દરજ્જાે અપાયો
અમદાવાદ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં લોજીસ્ટીક સેકટર, માઈનીંગ સેકટર તથા આઈ.ટી. અને આઈ.ટી. બેઈઝ્ડ ઉદ્યોગોનો વ્યાપ વધે અને યુવાનોને વ્યાપક રોજગારી મળી રહે તે માટે વિવિધ વિભાગો સાથે પરામર્શમાં રહીને આ ક્ષેત્રોને બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીઝ (ઉદ્યોગ)નો દરજ્જો આપવાનો વિજય રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
મહેસૂલ મંત્રી પટેલે ઉમેર્યુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિઝીટલ ઈન્ડિયાના નિર્માણનું સ્વપ્નું સેવ્યું છે તેને સાકાર કરવા માટે ઝડપી વિકાસ માટે ઝડપી પ્રજાલક્ષી નિર્ણયો લેવા માટે પ્રેરિત કરતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મક્કમ નિરધાર કર્યો છે.
રાજ્યમાં આઈ.ટી. અને આઈ.ટી. આધારીત ઉદ્યોગો વધે તથા લોજીસ્ટીક ક્ષેત્ર તથા માઈનીંગ ક્ષેત્રમાં વિકાસની તકો વધે તે માટે નક્કર આયોજન કર્યું છે.
તેમણે ઉમેર્યું કે, ‘ડિજિટલ ઈન્ડિયા’ તેમજ ‘ડિજિટલ ગુજરાત’ ના નિર્માણમાં આઈ.ટી./આઈ.ટી.ઈ.એસ. (આઈ.ટી. એનેબલ્ડ સર્વિસીઝ) ક્ષેત્રોનું અમૂલ્ય પ્રદાન છે. આ ક્ષેત્રોના પ્રદાનને ધ્યાનમાં લેતાં ગુજરાત સરકાર દ્વારા તેમને ઉદ્યોગનો દરજ્જો અપાયો છે. તેમજ આ નિર્ણયથી આઈ.ટી./આઈ.ટી.ઈ.એસ. ક્ષેત્રોના નિર્માણમાં પ્રગતિ થશે. પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધે તે માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. જેના પરિણામે આઈ.ટી./આઈ.ટી.ઈ.એસ. સેકટર, લોજીસ્ટીક સેક્ટર અને માઈનીંગ સેક્ટર ક્ષેત્રના ઉદ્યોગકારોને સરળતાથી બિનખેતી પ્રવૃત્તિની મંજૂરી મળી રહેશે.
આ ક્ષેત્રોને ‘ખરેખર ઔદ્યોગિક પ્રવૃત્તિ’ ગણી કોઈ ઉદ્યોગ ગૃહ/વ્યક્તિ/કંપની દ્વારા ખેતીની જમીન ખરીદવામાં આવે તો તેવા કિસ્સામાં તે ઉદ્યોગ ગૃહ/વ્યક્તિ/કંપનીની પ્રવૃત્તિન ‘બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીયલ પરપઝ’ ગણી ડીમ્ડ એન.એ. પરવાનગી આપવામાં આવશે. જેના પરિણામે ઉદ્યોગકારોને બિનખેતી પરવાનગી જે આગોતરી લેવી પડતી હતી તેમાં સરળતા થવાથી તે પોતાનો ઉદ્યોગ ઝડપથી શરૂ કરી શકશે અને ઉદ્યોગ શરૂ કર્યાં બાદ ડીમ્ડ એન.એ. માટે કલેકટરને અરજી કરી શકશે.