Western Times News

Gujarati News

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રદુષણ ઓકતા ઝઘડીયાના ઉદ્યોગોને ક્યારે નિયમો શીખવાડશે?

ઝઘડીયાની અન્ય કંપનીઓ સામે પણ પ્રદુષણ બાબતે કડક પગલા ભરોની માંગ

(પ્રતિનિધિ)ભરૂચ, સુરતના સચીન જીઆઈડીસી ખાતે ટેન્કર મારફતે ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટના થયેલ નિકાલ દરમ્યાન છ ઈસમોના મોત નીપજ્યા હતા.આ ઘટનાનો રેલો ઝઘડીયા જીઆઈડીસીની કેમી ઓર્ગેનિક કેમિકલ્સ નામની કંપની સુધી આવતા ઝઘડીયા જીઆઈડીસીમાં પ્રદુષણ ફેલાવતા અન્ય ઉદ્યોગો પણ શકના દાયરામાં આવ્યા છે.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની (Gujarat Pollution Control Board, Ankleshwar) અંકલેશ્વર કચેરી દ્વારા આને લઈને ઝઘડીયા જીઆઈડીસીની કેમી ઓર્ગેનિક કંપની સામે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.ઝઘડીયા જીઆઈડીસીના ઘણા ઔદ્યોગિક એકમો દ્વારા અવારનવાર જાહેરમાં વરસાદી કાંસમાં પ્રદુષિત પાણી છોડાવાની ઘટનાઓ બનતી હોય છે.

આ પ્રદુષિત કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસમાં થઈને વિવિધ ખાડીઓમાં વહીને નર્મદામાં જતુ હોય છે.જાહેરમાં આ રીતે છોડાતા પ્રદુષિત પાણીને લઈને ખાડીઓ નજીકની ખેતીની જમીનો પ્રદુષિત થાય છે.ઉપરાંત જળચર જીવોને પણ નુકશાન થાય છે.

સચીન GIDCમાં કેમિકલ વેસ્ટના નિકાલ બાદ છ માણસોના મોત થતાં તંત્ર એકદમ એકશનમાં આવી ગયુ હતું.છ જેટલી માનવ જીંદગીઓનો ભોગ લેવાયા બાદ તંત્રને એકાએક ડહાપણ સુઝયુ,તે બાબત પણ સૂચક ગણી શકાય ! અવારનવાર જાહેરમાં પ્રદુષણ ઓકતા કેટલાક ઔદ્યોગિક એકમો બાબતે કોઇવાર હોબાળો થાય તોજ તંત્ર નામ માત્રની કામગીરી કરીને સંતોષ લેતુ હોય છે.

ઝઘડીયા જીઆઇડીસીની આસપાસના ગામોના રહીશો બિચારા મને કમને પ્રદુષણ સહન કરતા આવ્યા છે ! આ વિસ્તારની વસતિ મહદઅંશે ગરીબ આદિવાસી જનતાની છે. જીઆઇડીસીના પ્રદુષણનો ભોગ બનતા રહીશો તેમની ખેતીની જમીનો તેમજ પ્રદુષિત પાણીથી જળચર જીવોને થતા નુકશાનની ઘટનાઓ હવેતો જાણે સામાન્ય બની ગઈ હોય એમ જણાય છે.

પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી હવે લાલ આંખ કરે અને જાહેરમાં પ્રદુષણ ઓકતા ઉધોગોને નિયમો શીખવાડવા આગળ આવે તેવી માંગ તાલુકાની જનતામાં ઉઠવા પામી છે.સચીન જીઆઈડીસીમાં ટેન્કર દ્વારા વેસ્ટના થયેલ નિકાલ બાદ તેનું પગેરુ છેક ઝઘડીયા જીઆઇડીસીની કેમી ઓર્ગેનિક કંપની સુધી આવ્યુ તેને લઇને તાલુકાનો જાગૃત વર્ગ ચિંતિત બન્યો છે.

આ બાબતે ઝઘડીયા જીઆઈડીસીમાં (Jhagadia GIDC) પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી (GPCB) દ્વારા ઝઘડીયા પોલીસમાં ફરિયાદ પણ થઈ તે સારી વાત ગણાય. પરંતું તંત્રએ આનાથી આગળ વધવુ પડશે,ચુપ બેસી રહેતો એ વાત હવે જનતા સાંખી નહી લે,એ વાત તંત્રએ સમજવી પડશે.છ માણસોનો ભોગ લેવાયેલી ઘટના નાની તો નજ ગણાય.

માનવ જીંદગીનું મૂલ્ય સમજીને ભવિષ્યમાં પ્રદુષણ ફેલાવતા અન્ય ઉદ્યોગો પર ધડો બેસે એ માટે આમાં જવાબદાર કંપની સામે કડકમાં કડક પગલા ભરાવા જાેઈએ એવી આજના સમયની માંગ છે. જાે ઘીના ઠામમાં ઘી પડ્યુ રહેશે તો પછી લોકશાહીના મૂલ્યોની અસ્મિતા કેમ જળવાશે? એ પણ એક વેધક સવાલ છે !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.