Western Times News

Gujarati News

આમોદમાં દુર્ગંધ મારતી અને પ્રદુષણ ફેલાવતી પાલિકાની કચરા પેટીથી લોકો ત્રાહીમામ

પાલિકા તંત્રને જાણ કરવા છતાં કચરાપેટી ઉઠાવાતી નથી : નગરજનોને આરોગ્યલક્ષી સુવિધા આપવામાં આમોદ પાલિકા તંત્ર વામણું પુરવાર

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નગરમાં આવેલા કાછીયાવાડ વિસ્તારના રહીશો દુર્ગંધ મારતી અને પ્રદુષણ ફેલાવતી કચરાપેટીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

વિસ્તારના રહીશોએ અનેક વખત પાલિકા તંત્રને જાણ કરી હોવા છતાં કચરાપેટી ખાલી કરવામાં આવતી નથી કે ઉપાડાતી નથી.કાછીયાવાડ પાસે આવેલી કચરાપેટી ઘણા સમયથી કચરાથી ભરાઈ ગઈ છે તેમજ તેનો કચરો આસપાસ ઉડીને રહેણાંક વિસ્તારના મકાનોમાં જતો રહે છે.

જેથી લોકોના સ્વાસ્થય સામે સવાલો ઉભા થયા છે.તેમજ કચરા પેટીમાં લોકો મરેલા ઉંદર,તેમજ નાના બાળકોના ગંદા ડાઈપર,બગડેલી શાકભાજી સહિતનની વસ્તુઓ લોકો આવીને કચરાપેટીમાં નાંખી જતા હોય કૂતરા ખેંચીને ઘર આંગણે નાખી જાય છે તેમજ કેટલીક વખત કચરાપેટીમાં જ કચરો સળગાવી દેવામાં આવતા દુર્ગંધ મારતાં હાનિકારક ધુમાડાથી સ્વાસ્થ્યને નુકશાન થઈ રહ્યું છે.

આમોદ પાલિકા તંત્રને વારંવાર લેખિત રજુઆત કરવા છતાં પાલિકા તંત્ર કચરાપેટી સાફ કરતું નથી કે ત્યાંથી કચરાપેટી ઉઠાવતું પણ નથી જેથી પાલિકાના અણઘડ વહીવટથી લોકો પરેશાન બન્યા છે.ભારત સરકારની ઓનલાઈન સ્વચ્છતા એપ્લિકેશન ઉપર પણ ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી.જેમાં સાત દિવસમાં અરજીનો નિકાલ કરવાનો હોય છે પરંતુ હજુ સુધી નિકાલ થયો નથી.

આ ઉપરાંત કચરાપેટી પાસે ઇલેક્ટ્રિક થાંભલો પણ આવેલો છે ત્યારે કોઈ કચરાપેટીમાં આવેલો કચરો સળગાવતા મોટો અકસ્માતનો પણ ભય સ્થાનિક રહીશોમાં સતાવી રહ્યો છે.

આ બાબતે નિર્મલ પટેલે જણાવ્યું હતું કે અમો કાછીયાવાડના રહીશ છીએ ઘણાં સમયથી આમોદ પાલિકાને ભરાઈ ગયેલી કચરાપેટી ઉઠાવવા માટે અરજી આપી હોવા છતાં કચરાપેટી ઉઠાવાતી નથી તેમજ લોકો અહીંયા મરેલા ઉંદર,બગડેલી શાકભાજી તેમજ નાના છોકરાના ગંદા ડાઈપર પણ નાખી જાય છે જે કુતરાઓ અમારા મકાન સુધી ખેંચી લાવે છે જેથી અમારી આસપાસના રહીશોનું સ્વાસ્થય સામે સવાલો ઉભા થયા છે.તેમજ દુર્ગંધ મારતી કચરાપેટી અને હાનિકારક ધુમાડાથી રહીશો હેરાન પરેશાન બન્યા છે.

આ બાબતે આમોદ પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર હિતેશ અસારીનો રૂબરૂ સંપર્ક કરવા છતાં તેઓ મીડિયા સામે કઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો.

આમોદ પાલિકા પાસે વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોવા છતાં પાલિકા તંત્ર નગરજનોને આરોગ્યલક્ષી સુવિધા પુરી પાડવામાં વામણું પુરવાર થયું છે.

આમોદ નગરપાલીકા ભાજપના શાસકો સેવાસેતુ કાર્યક્રમ કરીને એક તરફ સરકારની વાહવાહી લૂંટવામાં વ્યસ્ત બન્યા છે પરંતુ નગરજનોને આરોગ્યલક્ષી સુવિધા આપી શકતા નથી.જેથી નગરજનોમાં શાસકોના અણઘડ વહીવટ સામે ભારોભાર છૂપો રોષ જોવા મળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.