Western Times News

Gujarati News

શ્રીલંકાએ વ્યાજદરમાં રેકોર્ડ 7% વધારો કર્યો

નવી દિલ્હી, ઈતિહાસની સૌથી ભયાનક આર્થિક કટોકટીનો સામનો કરી રહેલ પાડોશી દેશ શ્રીલંકાએ ના છૂટકે વ્યાજદરમાં વધારો કરવાની ફરજ પડી છે.

પાકિસ્તાને વ્યાજદરમાં 250 બેસિસ પોઈન્ટનો વધારો કર્યા બાદ શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે આર્થિક કટોકટી સામે ટક્કર ઝીલવા વ્યાજ દરોમાં રેકોર્ડ 700 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો એટલેકે એક જ ઝાટકે 7%નો વધારો.

દેશમાં ગંભીર આર્થિક સંકટ વચ્ચે સ્થાનિક કરન્સીના ઘસારાને અમુક હદ સુધી નિયંત્રિત કરવા માટે વ્યાજદર બમણાં કર્યા છે. શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે એક મહિનામાં રૂપિયામાં 35 ટકાથી વધુનો ઘટાડો થયા બાદ તેનો ધિરાણ દર વધારીને 14.5 ટકા કરવામાં આવ્યો હતો. આ નિર્ણય “એક્સચેન્જ રેટને સ્થિર કરવા” માટે લેવામાં આવ્યો છે.

વ્યાજદરમાં વધારાની સાથે સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકાએ ડિપોઝીટ રેટ એટલેકે થાપણના દરોમાં પણ સાત ટકાનો વધારો કરીને 13.5% કર્યા છે.

રૂબલની તેજી અને શ્રીલંકન રૂપિયાના એકતરફી કડાકાને પગલે શ્રીલંકન રૂપિયો રશિયન રૂબલને પાછળ છોડીને વિશ્વની સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણમાં ટોચ પર પહોંચ્યો છે.

સેન્ટ્રલ બેંકે આશંકા વ્યકત કરી છે કે ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહેલ શ્રીલંકામાં ફુગાવાની સ્થિતિ જે હાલ સૌથી ખરાબ સ્તરે છે તે ટૂંકાગાળાના ભવિષ્યમાં હજી પણ વધુ ખરાબ થઈ શકે છે.

કોલંબો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ માર્ચમાં 18.7 % વધ્યો હતો, જ્યારે ખાદ્ય ફુગાવો 25% થી વધુ હતો. ખાનગી વિશ્લેષકોએ માર્ચમાં ફુગાવો 50% થી ઉપર હોવાનો દાવો કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ દ્વારા શ્રીલંકાને ડાઉનગ્રેડ કર્યું છે. આશંકા છે કે લંકા 51 અબજ ડોલરના વિદેશી દેવા પર ડિફોલ્ટ થઈ શકે છે. માર્ચના અંતે ફોરેન એક્સચેન્જ રિઝર્વ 2.0 અબજ ડોલરથી પણ નીચે આવી ગયું છે.

કોરોનાકાળમાં પર્યટન ઉદ્યોગ પડી ભાંગતા અને હવે ખોરાક, બળતણ અને વીજળીના અભાવને કારણે આર્થિક મુશ્કેલીઓને કારણે દેશભરમાં સરકાર સામે ભારે વિરોધ પણ થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની પણ માંગ કરવામાં આવી છે.

સરકારે જાહેરાત કરી છે કે તે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ(IMF) પાસેથી મદદ માંગશે અને બેલ-આઉટની અરજી કરવામાં આવશે પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર વાતચીત શરૂ થઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.