બિહારમાં કમોસમી વરસાદ: કરા પડવાથી ખેડૂતોના પાકને થયું ભારે નુકસાન

પટના, બિહારમાં હવામાનનો મિજાજ ઘણા જિલ્લાઓમાં બદલાઈ ગયો છે. રાજ્યભરમાં 2 પ્રકારની હવામાન પરિસ્થિતિઓ બની રહી છે.
રાજ્યના વિવિધ ભાગોમાં પૂર્વ અને પશ્ચિમના સતત પ્રવાહને કારણે વરસાદી અને વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તર બિહારમાં ભેજયુક્ત પૂર્વ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે પૂર્વ અને પશ્ચિમ ચંપારણથી લઈને કિશનગંજ અને અરરિયા સુધી વરસાદની અપેક્ષા છે જ્યારે દક્ષિણ બિહારમાં પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યો છે.
કિશનગંજમાં રવિવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અહીં પોઠિયા અને ઠાકુરગંજ પ્રખંડમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા હતા જેના કારણે ખેતરોમાં ઉભેલા મકાઈ, ઘઉં અને અનાનસના પાકને ઘણું નુકસાન થયું છે.
ખેડૂતો પાક લણવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે કુદરતના પ્રકોપથી પાકને નુકસાન થતા ખેડૂતો બરબાદ થઈ ગયા છે. અધિકારીઓ વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરશે.
બગહામાં પણ હવામાન પલટાની અસર જોવા મળી હતી. અહીંના વાલ્મીકીનગરમાં ભારે વરસાદ અને કરા પડવાથી ઘઉંનો ઊભો પાક બરબાદ થયો છે.
બગહાના વાલ્મીકીનગર, સેમરા, ચૌતરવા અને ભૈરોગંજના વિસ્તારોમાં ઘઉંના પાકની સાથે-સાથે રવિ પાકને પણ ભારે નુકસાન થયું છે. જોકે કમોસમી વરસાદથી લોકોને રાહત મળી છે પરંતુ ખેડૂતોની કમર ભાંગી ગઈ છે.