Western Times News

Gujarati News

મોદી સરકારે 8 વર્ષમાં ઈન્ફ્રા અને સામાજિક ક્ષેત્રની યોજનાઓ પાછળ 91 લાખ કરોડ ખર્ચ્યાં

અમદાવાદ, ગુજરાત મોડલને આધારે સમગ્ર દેશને વિકાસના નવા પંથે ચઢાવવાના વચન અને સંકલ્પ સાથે સત્તારૂઢ થયેલ મોદી સરકારે છેલ્લા 8 વર્ષમાં વિકાસના નામે 91 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

2014માં સત્તા આવ્યા બાદ મોદી સરકારે છેલ્લા આઠ વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને સામાજિક ક્ષેત્રના કાર્યક્રમો પાછળ આશરે રૂ. 91 લાખ કરોડનો ખર્ચ કર્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના અહેવાલ અનુસાર નાણાકીય વર્ષ 2014-15થી નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન કેન્દ્ર સરકારે વિકાસ સંબંધિત કાર્યો માટે 90,89,233 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના રિપોર્ટને ટાંકીને ટ્વિટ કર્યું કે 2014-15થી 2021-22 દરમિયાન કેન્દ્ર દ્વારા હાથ ધરવામાં આવેલ એકંદર વિકાસલક્ષી ખર્ચ રૂ. 90,89,233 કરોડ હતો. નાણામંત્રીએ આ જવાબ યુપીએ શાસનના નાણામંત્રી પી ચિદમ્બરમને આપ્યો હતો. ચિદમ્બરમની ઈંધણ કરની ખૂબ ઊંચી વસૂલાત પરંતુ લોકોના જીવનધોરણ સુધારવા પર ઓછા ખર્ચ અંગેની ટિપ્પણીના જવાબમાં નાણામંત્રીએ આ વાત કરી હતી.

આ મહિનાની શરૂઆતમાં ચિદમ્બરમે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે 2014-2021 વચ્ચે ફ્યુઅલ ટેક્સ વસૂલાતમાંથી રૂ. 26.5 લાખ કરોડ એકત્ર કર્યા હતા પરંતુ મફત અનાજ, મહિલાઓને રોકડ ભથ્થાં, પીએમ-કિસાન અને અન્ય રોકડ ટ્રાન્સફર પરનો કુલ ખર્ચ કુલ 2,25,000 કરોડથી વધુ નથી.

ચિદમ્બરમે કહ્યું હતું કે ભારતમાં લગભગ 26 કરોડ પરિવારો છે. એટલેકે કેન્દ્ર સરકારે દરેક પરિવાર પાસેથી સરેરાશ રૂ. 1,00,000 ફ્યુઅલ ટેક્સ વસૂલ્યો છે. દરેક ભારતીયે પોતાની જાતને પૂછવું જોઈએ કે ઇંધણ ટેક્સ પેટે જ માત્ર આટલી મોટી રકમ ચૂકવવાના બદલામાં પરિવારને શું મળ્યું ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.