હિંમતનગરઃ જૂથ અથડામણ બાદ વણજારાવાસના 50 પરિવારનું સ્થળાંતર
હિંમતનગર, હિંમતનગરમાં રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા પર કરવામાં આવેલા પથ્થરમારા બાદ રાજ્યનો ગૃહ વિભાગ અને પોલીસ એક્શનમાં આવી ગયાં હતાં.
ત્રણ જિલ્લાની પોલીસ, RAF અને SRPનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરિસ્થિતિને થાળે પાડી ફરી કોઈ તોફાનો ન થાય એ માટે સોમવારે સાંજે શાંતિ સમિતિની બેઠક જિલ્લા પોલીસવડા અને કલેકટરની આગેવાનીમાં યોજાઈ હતી.
આ શાંતિ સમિતિની મીટિંગની પાંચ કલાક બાદ મોડી રાત્રે ફરી હિંમતનગરના વણજારાવાસમાં બે જૂથો વચ્ચે અથડામણની ઘટના થઈ હતી. વણજારાવાસમાં પેટ્રોલ-બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે રાજય પોલીસવડા અને ગૃહ રાજ્યમંત્રી હિંમતનગર જવા રવાના થયા છે.
પોલીસ સમગ્ર શહેરમાં બંદોબસ્ત અને શાંતિ સમિતિની મીટિંગ બાદ પણ તોફાન થતાં પોલીસ તંત્ર નિષ્ફળ ગયું છે. મોડી રાતે બનેલી ઘટના બાદ સ્થિતિ વધુ વણસી ગઈ છે.
અસામાજિક તત્ત્વોના હુમલા બાદ વણજારાવાસમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી ત્યાં રહેતા 50થી વધુ પરિવારો બાળકો અને ઘરવખરી સહિત હિજરત કરી રહ્યા છે.
હિંમતનગરમાં વણજારાવાસમાં અથડામણ બાદ ભયનો માહોલ છવાયો છે. વણજારાવાસમાં રહેતા લોકો મકાનોને તાળાં મારીને અન્ય જગ્યાએ જઇ રહ્યા છે. રાતે અસામાજિક તત્ત્વો દ્વારા પેટ્રોલ-બોમ્બ ફેંકવામાં આવતાં લોકોમાં ભયનો માહોલ છે.
ઘરમાં તોડફોડ કરીને માલસામાનની ચોરી થઈ હોવાનો પણ રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વણજારાવાસના લોકોનું કહેવું છે કે રાત્રે ચાંદનગર અને હસનગરના લોકોએ હુમલો કર્યો હતો. ચાંદનગર અને હસનગરના વિસ્તારમાંથી ટોળું આવ્યું અને પેટ્રોલ-બોમ્બ ફેંકીને બે ઓરડી સળગાવી દીધી હતી.
અન્ય એક સ્થાનિકે જણાવ્યું હતું કે 50 જેટલા પરિવાર આવાસ છોડીને બીજી જગ્યાએ જઈ રહ્યા છે. હાલમાં પોલીસે તેમને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. વણજારાવાસમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. રાતે હુમલો કરનારા લોકોને શોધી તેમની અટકાયત કરવાની પણ શરૂઆત આવી છે.